(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
‘હું ભાજપ મુક્ત ભારત કહેતો નથી. ના તો હું ભાજપ મુક્ત ઇચ્છું છું. હા, પરંતુ હું તેમની સાથે લડીશ અને તેમને હરાવીશ.’ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના કોંગ્રેસ મુક્ત નારાના જવાબમાં આ વાત કહી છે. ૧૨મી મે એ કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી છેલ્લા થોડાક સમયથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની આ પ્રથમ ચૂંટણી છે. રાહુલ ગાંધી છેલ્લા બે મહિનામાં ચૂંટણી પ્રચાર કરવા માટે ૮ વાર કર્ણાટક જઇ ચૂક્યા છે. કર્ણાટકમાં ૧૨મી મે એ મતદાન થશે અને ત્રણ દિવસ પછી પરિણામ જાહેર થશે. ડેક્કન હેરાલ્ડને આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ તેમની સામે સોફ્ટ હિન્દુત્વના મૂકાયેલા આરોપથી માંડીને ભાજપ-આરએસએસ અને કોંગ્રેસનો સાથ છોડનારાઓ પર ચર્ચા કરી.
કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ ?
કોંગ્રેસ પણ સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ રમી રહી છે, અન્ય ધર્મના લોકો કોંગ્રેસની વાત પર ભરોસો કેમ કરે ?
જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે હું એવું માનું છું કે જો કોઇ મને બોલાવે છે, તો મારા માટે જાતિ, ધર્મ,લઘુમતી, હિન્દુનો કોઇ અર્થ નથી. જો તેઓ મને બોલાવે છે અને પોતાની આસ્થાની વસ્તુઓ સાથે મારો પરિચય કરાવે છે તો હું જઇશ. હું અન્યોના વિચારોનું સન્માન કરું છું.
– ‘પીએમ મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે’
ભાજપ અને પીએમ મોદીના કોંગ્રેસ મુક્ત નારા વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘તમે જોયું હશે કે પીએમ મોદી મારા વિશે, અન્ય કોંગ્રેસી નેતાઓ વિશે બહુ અપમાનજનક વાત કરે છે. હું હંમેશ પ્રધાનમંત્રીપદની ગરિમાનું સન્માન કરતો રહીશ.તમે મને એ જ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા જોશો નહીં. હું તો એવું પણ કહું છું કે ભાજપના જે વિચાર છે, તે ભારતનું એક સત્ય છે અને હું ભાજપ મુક્ત ભારત ઇચ્છતો નથી.’
-ભાજપના રાષ્ટ્રવાદનો મુકાબલો કેવી રીતે કરશો ?
રાષ્ટ્રવાદના પ્રશ્ન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે નાગપુર-આરએસએસના સંકુચિત રાષ્ટ્રવાદને દેશ પર થોપવા સામે ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ દેશ નરેન્દ્ર મોદી કે આવા અન્ય કોઇને સાંખી લેશે નહીં, જેઓ એવું સમજે છે કે દેશ તેમના મુજબ હોવો જોઇએ.
– ભાજપનો હિન્દુત્વ અને વિકાસ ?
ઉત્તર પ્રદેશમાં ભાજપે એક સાથે હિન્દુત્વ અને વિકાસની વાત કરી અને સફળ પણ રહ્યા, શું કર્ણાટકમાં પણ આ કામ કરશે ?
ના, ઉત્તર પ્રદેશમાં ભાજપે સમાજને વિભાજિત કરી લોકોમાં નફરત ભરીને વોટ મેળવ્યા. યુપીના લોકોને હવે અહેસાસ થાય છે કે તેમણે શું ભૂલ કરી છે. સન્માન આપવું, બધાને સાથે લઇને ચાલવું કર્ણાટકના લોકોની પરંપરા છે. બધાની ઇજ્જત કરવાનું કર્ણાટકના ડીએનએમાં છે. તેથી કર્ણાટક આજે સફળ છે.
– ૨૧ રાજ્યમાં ભાજપની સરકાર
હાલમાં દેશના ૨૧ રાજ્યમાં ભાજપની સરકાર છે, કોંગ્રેસ થોડાક જ રાજ્યોમાં મર્યાદિત થઇ ગઇ છે, કેમ ?
રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે અમારી પાસે દેશના ૨૦ ટકા વોટ છે. આ બહુ મોટું સમર્થન છે. અમારા શાસનમાં અમે ભૂલો કરી, આર્થિક માહોલ બહુ ખરાબ હતો, તે સમયે ભારે તોફાન આવ્યું અને અમે ચૂંટણી હારી ગયા. અમે ચિંતન કરીને નવું નેતૃત્વ ઊભું કરવાનું કામ કરી રહ્યા છીએ. આગામી સમયમાં કોંગ્રેસનું જોરદાર વિસ્તરણ થશે.