અમદાવાદ, તા.ર૯
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ના મોડલને અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાઘેલાએ એવો દાવો કર્યો હતો કે તેમનું નવું સંગઠન જનવિકલ્પ મોરચો પક્ષ કાર્યગણના અવાજને કચડી નાખવાની સંસ્કૃતિને ખતમ કરવાનો એક પ્રયોગ છે. આ જૂથ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં ૧૩૦થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમના પક્ષે અન્ય પક્ષોના બળવાખોરોને એક પણ ટિકિટ આપી નથી. જનવિકલ્પ મોરચાએ ઉમેદવારોને ટિકિટ માટે ઓનલાઈન અરજી કરવા જણાવ્યું છે. જનવિકલ્પ મોરચા દ્વારા તેની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ ત્રણ પાનાનું ફોર્મ ભર્યા બાદ ટિકિટ વાંચ્છુઓની યાદી શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિરસ્ટ થયેલ ઉમેદવારોને ટેકસ્ટ મેસેજ મળશે અને તેમણે તેમાં દર્શાવેલ તારીખ અને સમયે જન વિકલ્પ મોરચાના સંસદીય બોર્ડ સમક્ષ હાજર થવું પડશે. દિલ્હી અને પશ્ચિમ બંગાળના ઉદાહરણો ટાંકીને પૂર્વ કોંગ્રેસી નેતાએ જણાવ્યું હતું કે ‘ત્રીજા મોરચો’ હવે એક એવી તાકાત છે જેને ગણતરીમાં લેવી પડે. ભાજપ છોડીને બે દાયકા પૂર્વ કોંગ્રેસમાં જોડાનાર શંકરસિંહ વાઘેલાએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ગુજરાતની ચૂંટણી બાદ કિંગમેકર’ની ભૂમિકા ભજવશે. આ જુલાઈમાં કોંગ્રેસ છોડનાર વાઘેલા ઉત્તર ગુજરાતની ડઝન બેઠકો પર પ્રભાવ ધરાવે છે. ભાજપમાં જોડાઈ રહેલા પોતાના પુત્ર અંગેના એક પ્રશ્નોનો જવાબ આપતા વાઘેલાએ જણાવ્યું હતું કે તેમના પુત્રએ ભગવાપક્ષની ટિકિટ ક્યારેય માંગી નહોતી. શંકરસિંહ વાઘેલા ઓક્ટોબર ૧૯૯૬થી ઓક્ટોબર ૧૯૯૭ દરમ્યાન ગુજરાતના મુખ્યપ્રધાન હતા.