(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં લાભ આપવા દરેક રાજકીય પક્ષો વાઈબ્રન્ટ બની ગયા છે. એવામાં દલિત આંદોલનના નેતા જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાવાની ચોખ્ખી ના પાડી દીધી છે. જો કે તેમણે દલિત સમાજના ૧૮ જેટલા મુદ્દા મામલે કોંગ્રેસ પાર્ટી પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવી માંગ કરી છે. જીજ્ઞેશ મેવાણીએ આ અત્રે મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ તરફથી મને આમંત્રણ મળ્યું હતું કે હું કોંગ્રેસ સાથે જોડાઉ અને રાહુલ ગાંધી પણ તેમની સભાઓમાં મારૂં નામ સન્માન પૂર્વક લઈ રહ્યા છે. તેમજ કોંગ્રેસના એક દલિત નેતાએ મને ફોન કરીને કોંગ્રેસમાં જોડાવા આહવાન કર્યું છે. પરંતુ હું કોંગ્રેસ કે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાવાનો નથી. મારો કોઈ પર્સનલ એજન્ડા કે સ્વાર્થ નથી.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતની વિવિધ સંસ્થાઓ હતી દલિત આંદોલનના નેતા જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજીને દલિત સમાજના ૧૮ મુદ્દાઓ મામલે સ્પષ્ટતા કરવાનું એલાન કર્યું છે. આ મુદ્દાઓ ઉપર સ્પષ્ટતા બાદ જ દલિતો કોંગ્રેસને વોટ આપવો કે કેમ તે અંગે વિચારશે. જીજ્ઞેશ મેવાણીએ ૧૮ મુદ્દાઓ મુકયા છે. તેમાં ઉનાકાંડમાં ભોગ બનેલા પરિવારોને તત્કાલીન મુખ્યમંત્રીએ સરકારી નોકરી, પાંચ એકર જમીન, ઘરના પ્લોટ અને બીપીએલ કાર્ડ આપવાની જાહેરાત થઈ હતી. તેમાંથી એક પણ જાહેરાત મુજબ અમલ કરાયો નથી. તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે તદઉપરાંત ઉનાકાંડ કેસની ટ્રાયલ એટ્રોસિટી એકટની જોગવાઈ મુજબ સ્પેશિયલ કોર્ટમાં કરવામાં આવે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં એટ્રોસિટી એકટની જોગવાઈ મુજબ માત્રને માત્ર એટ્રોસિટી એકટ હેઠળ નોંધાયેલા ગુનાઓની જ ટ્રાયલ ચાલે તેવી સ્પેશિયલ કોર્ટોની રચના તાત્કાલિક ધોરણે કરી દરેક જિલ્લામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટરની નિમણૂક કરવામાં આવે, ગુજરાતમાં અનામત નીતિનો અમલ ફકત એક ઠરાવ ઉપર કરવામાં આવે છે તેના બદલે રિઝર્વેશન એકટ બનાવવામાં આવે સરકારમાં બેકલોગ લોનની હજારો જગ્યાઓ ખાલી પડી છે. આ તમામ બેકલોગ જગ્યાની ભરતી તત્કાલ અસરથી કરવામાં આવે ઉનાકાંડની ઘટના બાદ ગુજરાતમાં દેખાવો દરમ્યાન આંદોલનકારીઓ સામે થયેલા પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે ગુજરાતમાં ફિકસ પગાર કરતા કોન્ટ્રાકટ તથા આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવે. ગુજરાતમાં શૈક્ષણિક અને અન્ય સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે દલિતો માટેની આવક મર્યાદા રૂપિયા ૬ લાખ સુધી કરવામાં આવે. થાનગઢના ફાયરિંગ કેસમાં સંજય પ્રસાદનો રિપોર્ટ જાહેર કરવો સહિતની ૧૮ જેટલી માગણીઓ મુદ્દે કોંગ્રેસને સ્પષ્ટતા કરવા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું છે.