(એજન્સી) તા.૧૦
પૂર્વ આઇએએસ અધિકારી અને માનવાધિકાર કાર્યકર હર્ષ મંદરે મંગળવારે કહ્યું હતું કે, નાગરિકતા સુધારા બિલને સંસદમાં મંજૂરી આપવામાં આવશે તો તે ખુદને સત્તાવાર રીતે મુસ્લિમ જાહેર કરી દેશે. તેની સાથે હર્ષ મંદરે કહ્યું કે જ્યારે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન દરમિયાન તેમને પોતાના દસ્તાવેજો જમા કરાવવા કહેવાશે તો તેનાથી પણ તે ઇનકાર કરી દેશે. હર્ષ મંદરે તેની સાથે કહ્યું કે અંતે તે એ જ સજાની માગણી કરશે જે કોઇપણ દસ્તાવેજ વિના મુસ્લિમોને અટકાયતી કેન્દ્રોમાં આપવામાં આવશે અને પોતાની નાગરિકતા છોડી સવિનય અવજ્ઞામાં સામેલ થઇ જશે. હર્ષ મંદરે આરોપ મૂક્યો હતો કે સરકાર નાગરિકતા સુધારા બિલથી બિન મુસ્લિમ સમુદાયોની રક્ષા કર્યા બાદ એનઆરસી ફક્ત મુસ્લિમો માટે લાગુ કરશે.
હર્ષ મંદરે એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભાજપની યોજના છે કે પહેલા સીએબીના માધ્યમથી બિન મુસ્લિમ સમુદાયના લોકોનો બચાવ કરશે અને તેના પછી એનઆરસી લાગુ કરશે. તમે કહી શકો છો કે એનઆરસી એક રીતે ફક્ત મુસ્લિમો માટે લાગુ થશે. માનવાધિકાર કાર્યકર્તાએ કહ્યું કે એક વાર રાજકારણ અને કાયદાને નેવે મૂકી પણ દઇએ તો ફક્ત દયાના અભાવને લીધે તમે લાખો ગરીબ લોકોની સાથે શું કરવા જઇ રહ્યાં છો. કોઇ સરકાર કવી રીતે આપત્તિનું જાતે સર્જન કરી શકે છે જેનો કોઇ અંત પણ દેખાતો નથી.