નવી દિલ્હી, તા. ૨૮
દિલ્હી પબ્લિક સ્કૂલની કલ્યાણપુર શાખાના વિદ્યાર્થી અર્શે શિક્ષકો દ્વારા થતી હેરાનગતિથી પરેશાન થઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત વિદ્યાર્થી ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે જ્યાં તેની હાલત સુધારા પર બતાવાઇ રહી છે. વિદ્યાર્થીએ આરોપ મુક્યો હતો કે, મુસ્લિમ હોવાને કારણે શાળામાં શિક્ષકો તેને અપમાનિત કરતા હતા. શાળામાં બંદૂક હોવાની શંકામાં તેની બેગ ચેક કરવામાં આવતી હતી. તેની વિરૂદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મામલે દિલ્હી પબ્લિકના પ્રિન્સિપાલ અને અન્ય ત્રણ શિક્ષકો સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા (૩૦૫)ની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
હોસ્પિટલમાં ભાન આવ્યા બાદ અર્શે પોતાની આપવીતી સંભળાવી હતી. તેણે કહ્યું મમ્મી, શાળામાં મારી પાસે ગન હોવાનો આરોપ મુકી મારી બેગ ચેક કરવામાં આવી હતી, જાણે હું કોઇ આતંકવાદી હોઉઁ. મમ્મી હું આતંકવાદી નથી. મને શાળામાં ઘણો હેરાન કરવામાં આવતો હતો. આમ કહીને તે ફરી બેભાન થઇ ગયો હતો. ફતેહપુરમાં રહેતા અફસર પ્રોપર્ટીની દલાલીનું કામ કરે છે. પરિવારમાં પત્ની નજરાના અને બે પુત્રો મોહંમદ અર્શ (૧૭) અને અમન છે. અર્શ સ્વરૂનગરમાં આવેલા નાનીના ઘરે રહીને ડીપીએસ કલ્યાણપુરમાં અભ્યાસ કરી રહ્યો છે. ક્લાસ ટીચર રચના શર્માએ ૧૪ સપ્ટેમ્બરના રોજ અર્શની માતાને શાળામાં બોલાવી તેના ભણવામાં ધ્યાન ન આપવાની ફરિયાદ કરી હતી. આ અંગે નઝરાનાએ અર્શને ઠપકો આપ્યો હતો. જે બાદ તે અર્શને લઇ ઘરે જતા રહ્યા હતા. એવો આરોપ છે કે, ત્યારબાદ શાળાની શિક્ષિકાઓ વાત વાતમાં અર્શને ઠપકો આપી રહી હતી, અપમાનિત કરતી હતી જેથી શાળામાં અસહજ અનુભવતો હતો. સોમવારે તેના પર ગન લાવવાનો આરોપ લગાવી તેની બેગ ચેક કરવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું કે, તે શાળાનો માહોલ ખરાબ કરી રહ્યો છે. તેનાપર આરોપ લગાવાયો હતો કે, તે તેને એમ કહીને અપમાનિત કરવામાં આવતો હતો તેનું સ્ટેટસ શું છે. અર્શની બંદૂકવાળી ફરિયાદ પર પ્રિન્સિપાલ અર્ચના નિગમે શિક્ષિકાઓને બોલાવી પૂછપરછ કરી તો તેઓ ફરી ગઇ હતી. તેમણે કહ્યું કે, તેઓ રજિસ્ટર જોવા માટે બેગ ચેક કરી રહી હતી. વિદ્યાર્થીએ આરોપ મુક્યો હતો કે, તે ૧૧મા ધોરણમાં ભણે છે અને હાઇસ્કૂલની શિક્ષિકાએ તેની બેગ ચેક કરી હતી. ત્યારબાદ શિક્ષિકાઓએ આચાર્યને ભડકાવી દીધા હતા. આ અંગે પ્રિન્સિપાલે શાળામાં જાહેરાત કરી અર્શને બોલાવ્યો ત્યારે શાળાના વિદ્યાર્થીઓ અર્શ અંગે ચર્ચા કરવા લાગ્યા હતા. આના કારણે તે પોતાને અપમાનિત થયાનો અનુભવ કરી રહ્યો હતો. ઉંઘની ગોળીઓ ખાતા પહેલા અર્શે તેની માતા સાથે ફોન પર વાત કરી હતી. તે વારંવાર ફોન પર માતાને તેનું ધ્યાન રાખાવનું જણાવી રહ્યો હતો. તેણે છેલ્લે માતાને ત્રણવાર ફોન કર્યો હતો. માતાને શંકા જતા તેણે ભત્રીજીને ફોન કરી અર્શને જોવા માટે કહ્યું હતું. ભત્રીજીએ અર્શના રૂમ પાસે ગઇ ત્યારે રૂમ અંદરથી બંધ હતો. કોઇ પ્રકારે તે અંદર ગઇ ત્યારે તે બેભાન અવસ્થામાં પડ્યો હતો અને મોંમાંથી ફીણ બહાર આવી ગયા હતા. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ત્યાંથી જાણવા મળ્યું કે, તેણે ઉંઘની ગોળીઓ લઇ લીધી હતી અને ફિનાઇલ પી લીધું હતું. તેણે હાથની નસો પણ કાપવાનો પ્રયાસ કર્યો હતો. ડોક્ટરે કહ્યું કે તેને યોગ્ય સમયે સારવાર માટે લઇ આવતા બચી ગયો નહીં તો જીવનું જોખમ હતું.