નવી દિલ્હી, તા. ૧૬
રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ તરીકેના પદગ્રહણ સમારોહમાં હાજર રહેલા તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ માટે કપરો માર્ગ છે પરંતુ તે તેના માટે જ બન્યો છે. પક્ષમાં મોટી ભૂમિકાને નકારતા તેમણે કહ્યું કે, ઉત્તપ્રદેશના રાયબરેલીમાંથી તેમના માતા સોનિયા ગાંધી જ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી લડશે. મારી રાયબરેલીમાંથી ચૂંટણી લડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પોતાના ભાઇ રાહુલ ગાંધી વિશે તેમણે જણાવ્યું હતું કે, તેના માટે કપરો માર્ગ છે પરંતુ તે તેના માટે જ છે અને હિંમતવાન પણ છે. એક દિવસ પહેલા સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓને ચોંકાવતા એવું નિવેદન આપ્યું હતું કે, તેઓ હવે નિવૃત્ત થઇ રહ્યા છે. બાદમાં કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટકતા કરવી પડી હતી કે, તેઓ પક્ષમાંથી નહીં પરંતુ ફક્ત પાર્ટીના અધ્યક્ષ પદેથી નિવૃત્ત થઇ રહ્યા છે.પોતાના પુત્રને અધ્યક્ષ પદની કમાન આપતા સોનિયા ગાંધીએ ભાવુક ભાષણ આપ્યું હતું જેમાં તેમણે પોતાની રાજકીય કારકિર્દી પણ વર્ણવીહતી.પ્રિયંકાએ આ પ્રસંગે કહ્યું કે, મારા માતાને આ પ્રસંગે જોતા ગર્વ થાય છે કે, હું ેતમની આ ૨૦ વર્ષની કારકિર્દીનો ભાગ છું. મેં તેમની શરૂઆતમાં જે મુશ્કેલીઓ સહન કરી છે તે જોઇ છે. મારા મતે તેઓ સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એક છે. પ્રિયંકા ગાંધીએ તેમના માતા અને ભાઇના મતવિસ્તારો માટે પ્રચાર કર્યો છે અને પાર્ટીની બેઠકોમાં પણ ભાગ લીધો છે. સોનિયા ગાંધીના નિવૃત્તિના નિવેદન બાદ પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રીય થાય તેવા સંકેતો આવવા લાગ્યા હતા જેમને તેમના દાદી ઇન્દિરા ગાંધી જેવા માનવામાં આવે છે. પ્રિયંકા ગાંધી આજે સમારોહમાં પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે હાજર રહ્યા હતા.