(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
ટ્‌વીટર હેન્ડલ પર મોઘવારીની ખોટી ગણતરી કરવા બદલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. રાહુલે ટ્‌વીટ કરીને કહ્યું કે હું નરેન્દ્રભાઈ નથી, ઈન્સાન છું અને ભૂલો કરૂ છું. રાહુલનું આ ટ્‌વીટ તેમના સાતમા સવાલ પર હતું જેમાં તેમણે મોદી સરકાર પાસેથી મોઘવારીનો હિસાબ માંગ્યો હતો. રાહુલે ટ્‌વીટર હેન્ડલ પર ગુજરાતમાં મોંઘવારીના કેટલાક આંકડાઓ પોસ્ટ કર્યા હતા. પરંતુ તેમની ગણતરી ખોટી હતી. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે હું ભાજપના મારા તમામ દોસ્તોને કહેવા માંગું છું કે હું નરેન્દ્રભાઈ નથી. હું ઈન્સાન છું. આપણે બધા અજીબ પ્રકારની ભૂલો કરતાં હોઈએ છીએ. આ એ ચીજ છે જે જિંદગીને વધારે રસપ્રદ બનાવેછે. તેને બહાર લાવવા માટે આભાર અને આવું કરતા રહો. તેનાથી મને સુધરવામાં સહાય મળે છે. તમામને મારો પ્યાર. મોંઘવારીની ખોટી ગણતરીની માફી માંગતા રાહુલે મોદી સરકાર પર મોંઘવારી પર કાબૂ ન મેળવવાનો આક્ષેપ કર્યો.રાહુલની ટીપ્પણીને ટ્‌વીટર પર ભાજપના નેતાઓએ વખોડી હતી. રાહુલ ગાંધીએ કેટલીક વસ્તુઓના ખોટા ભાવો પોસ્ટ કર્યાં હતા. વધી રહેલી મોઘવારીની ટકાવારી દર્શાવવામાં આવી હતી પરંતુ ટકાવારીની ગણતરીમાં ભૂલ કરવામાં આવી જેમ કે ૨૦૧૪ માં દાળના ભાવમાં કિલો દીઠ રૂ.૪૫ દર્શાવવામા આવ્યાં તો ૨૦૧૭ માં ૭૦ રૂપિયા કિલો દર્શાવવામાં આવ્યાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુ રાહુલે મોદી પર ગુજરાતના લોકો સાથે ખોટા વાયદાઓ કરવાનો આક્ષેપ કર્યો તો કોંગ્રેસના બીજા નેતાઓએ કહ્યું કે પીએમ મોદી રાહુલ ફોબિયાથી પીડિત છે.