(એજન્સી) ઝારખંડ, તા.૧પ
જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪પ જવાન શહીદ થયા છે. આ ઘટનાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. એક તરફ સંપૂર્ણ દેશ આ કાયરતાભર્યા કૃત્યનો બદલો લેવાની માંગ કરી રહ્યું છે તો ત્યાં શહીદ જવાનોના પરિવાર પણ ગુસ્સામાં છે અને કોઈપણ કિંમતે આતંકવાદીઓથી પ્રતિશોધ ઈચ્છે છે.
આતંકી હુમલામાં ઝારખંડના ગુમલા જિલ્લાના વિજય સોરેન પણ શહીદ થયા છે. શહીદ વિજય સોરેનની દીકરીની આંખોમાં આંસુ અને હૃદયમાં ગુસ્સો છે, પરંતુ પોતાના પિતાની શહાદત પર ગર્વ અનુભવતા તેણે ભારત સરકારને આગ્રહ કર્યો છે કે, મોદી સાહેબ મારા હાથમાં પણ હથિયાર આપી દો. હું મારા પિતાના મૃત્યુનો બદલો લઈશ. વિજય સોરેનની દીકરી રેખા સોરેને જણાવ્યું કે, અમને હથિયાર આપી દો, હું મારા પિતાનો બદલો પોતે લઈશ.
ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાન શહીદ થયા હતા. હુમલાના સમયે રપ૪૭ જવાન ૭૮ વાહનોના કાફ્લામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી કારને તેમની બસ સાથે અથડાવી વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, બસના ચિથરે-ચિથરા ઉડી ગયા. લગભગ ૧૦ કિ.મી. સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલામાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, અમારા સુરક્ષા દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવામાં આવી છે. અમને વીર જવાનો પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ આતંકી ઘટનાની પાછળ જે તેના માટે જવાબદાર છે તેને ચોક્કસ સજા આપવામાં આવશે. પુલવામા આતંકી હુમલા પર વડાપ્રધાને જણાવ્યું કે, સંપૂર્ણ વિશ્વમાં અલગ પડી ચૂકેલો અમારા પાડોશી દેશ જો આ સમજે છે કે, જેવા ઘૃણિત કૃત્ય તે કરી રહ્યો છે અને જે પ્રકારના ષડયંત્રો તે રચી રહ્યો છે, તેનાથી તે આપણા દેશમાં અસ્થિરતા પેદા કરવામાં સફળ થઈ જશે, તો તે બહુ મોટી ભૂલ કરી રહ્યો છે.