કોલકાતા, તા. ૧૫
ઇડન ગાર્ડન ખાતે પ્રવાસી શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ ટિકાકારોને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, હું કોઇ રોબોટ નથી. મારી ચામડી કાપી જુઓ લોહી જ નિકળશે. કેપ્ટન કોહલીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પૂર્વ ક્રિકેટરો દ્વારા યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકાની ટેસ્ટ સીરીઝમાં આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોહલીએ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ટીમને ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડીઓની જરૂર હોય છે. આમ છતાં તેણે ઇશારો કર્યો કે, દરેક ક્રિકેટરોને આરામની પણ જરૂર હોય છે. કોહલીએ તેની આગવી સ્ટાઇલમાં કહ્યું કે, હું રોબોટ નથી. મારી ચામડીને ચેક કરો તો તમને લોહી જ મળશે.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવાના નિર્ણયને તેણે યોગ્ય ઠેરવતા કહ્યું કે, દરેક ભારતીય ક્રિકેટર એક વર્ષન અંદર ઓછામાં ઓછી ૪૦ મેચો રમે છે. તેના ઉપર સખત પ્રેશર હોય છે અને તેને આરામની જરૂર હોય છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા ટેસ્ટ સીરીઝ માટે જાહેર થનારી ટીમમાં પહેલા હાર્દિક પંડ્યાનું નામ સામેલ હતું પરંતુ ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ શરૂ થવાના થોડાક સમય પહેલા બીસીસીઆઈએ તેને આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિકે પોતે પણ એક મુલાકાતમાં કહ્યું હતું કે, તેણે પોતે બીસીસીઆઈને તેને આરામ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ટીમ ઇન્ડિયા સતત સારો દેખાવ કરતી હોવા છતાં અવારનવાર સિનિયર ક્રિકેટરો મહેન્દ્રસિંહ ધોની તો ક્યારેક વર્તમાન સુકાની વિરાટ કોહલીને ટાર્ગેટ કરીને પૂર્વ ક્રિકેટરો દ્વારા નિવેદનો કરવામાં આવતા હોય છે. જેને લઇને ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ ગઇકાલે કહ્યું હતું કે, પૂર્વ ક્રિકેટરો તેમના સમયમાં કેવું રમ્યા હતા તેના ઉપર માત્ર તેઓ નજર નાંખી દે તો પણ પુરતું છે.