અમદાવાદ, તા.૧૮
શહેરના હાથીજણ ખાતેના સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તેમજ પ્રિયાતત્વા સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે. યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી છે. ફરિયાદ નોંધાયા બાદ ફરિયાદી અને બાળકોના પરિવારે પોલીસને ધમકી મળી હોવાનું જણાવતા ફરિયાદી અને બાળકોના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. તેમજ ગત રાત્રે વિદેશમાં રહેતી યુવતી અને ગુમ યુવતી સાથે પોલીસે વીડિયો કોલથી વાત કરી હતી. જેમાં ગુમ યુવતી અને વિદેશમાં રહેતી યુવતીએ ભરોસો આપ્યો કે, હું થોડા દિવસમાં જ અમદાવાદ આવીને નિવેદન લખાવી જઈશ. હું સુરક્ષિત છું, મારૂ અપહરણ થયું નથી. નિત્યાનંદીતા મુજબ, મારા માતાને એક વ્યક્તિ સાથે અફેર હતું અને તે તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યાર બાદ મેં ઘર છોડ્યું હતું. ગુમ થયેલી યુવતી નિત્યાનંદીતાએ વીડિયો રીલિઝ કરી જણાવ્યું, પાછલા કેટલાય દિવસોથી માધ્યમોમાં ખોટા સમાચારો ચાલી રહ્યા છે. હું મારા લોકો સાથે સતત પ્રવાસ કરી રહી છું. મારૂં અપહરણ થયું હોવાની વાતો ખોટી છે. દુઃખ સાથે કહેવું પડે છે કે, મારા માતા-પિતાના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે. ૧૯ વર્ષની ઉંમરે મારામાં મીડિયાને સામે ચાલીને જવાબ આપવાની ક્ષમતા નથી. હું મારી જાતને આ તણાવ અને ત્રાસથી દૂર રાખવા માંગું છું તેથી હું પ્રવાસે નીકળી ગઈ છું. હું મારી સ્વેચ્છાએ બહાર નીકળી છું. મારૂં કોઈ અપહરણ થયું નથી. તેણીએ આગળ કહ્યું કે, મારા આશ્રમ કે મારી સંસ્થાએ મારૂં કોઈપણ પ્રકારનું અપહરણ નથી કર્યું, પરંતુ મને બીક છે કે, મારા માતા-પિતા મારૂં અપહરણ કરાવી શકે છે. આ અમારા પરિવારનો પ્રશ્ન છે જેને મારા માતા-પિતાએ જાહેર બનાવ્યો છે. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે જણાવ્યું હતું કે, બાળકોના પિતાની ફરિયાદના આધારે બાળકોને ગોંધી રાખવા અંગેનો ગુનો સંચાલકો સામે નોંધાયો છે. જ્યારે યુવતી લાપતા હોવાથી તેની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પણ નોંધાઈ છે. લાપતા યુવતી આશ્રમમાં નહીં હોવાનું સ્પષ્ટ થયું છે. આગામી ત્રણ દિવસમાં તે પોલીસ સમક્ષ હાજર થશે તેવો દાવો કરાયો છે.

અમદાવાદના નિત્યાનંદ આશ્રમનું ગુજરાતમાં રજિસ્ટ્રેશન નથી
ગુજરાત બહાર રજિસ્ટ્રેશન છે કે કેમ ? તપાસ કરાશે

હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમ અંગે એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે જેના ભાગરુપે ખુલાસાઓના સંદર્ભમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. આશ્રમને લઇને હજુ પણ નવી વિગતો ખુલવાની શક્યતા છે. કારણ કે સંબંધિતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. આ મામલો વધુ ઉગ્ર અને ચર્ચાસ્પદ બન્યા બાદ તમામનું ધ્યાન ખેંચાયું છે. હવે એવો ખુલાસો થયો છે કે આ આશ્રમનું ગુજરાતમાં ક્યાંય રજિસ્ટ્રેશન જ થયું નથી. બેંગાલુરુના પરિવારની દીકરી ગુમ થઈ હોવા મામલે જિલ્લા વહીવટી તંત્રએ રિપોર્ટ તૈયાર કર્યો તેમાં આ ખુલાસો થયો છે. કલેક્ટર દ્વારા સમગ્ર મામલે સમાજકલ્યાણ અધિકારી અને ડીઇઓને તપાસ સોંપાઇ છે. ગુજરાત બહાર ક્યાંય રજિસ્ટ્રેશન થયું છે કે કેમ તેની તપાસ કરાશે. આશ્રમ ખાનગી જગ્યા પર ભાડા કરાર છે. આશ્રમમાં રહેતા ૩૦ બાળકોની સાથે વન ટુ વન મિટિંગ કરી તેમના અભિપ્રાય લેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ મહિલા આયોગ, બાળ આયોગ અને રાજ્ય સરકારને સોંપાયો છે અને હવે રાજ્ય સરકારના આદેશ બાદ આ મામલે આગળની કોઈ કાર્યવાહી કરાશે.