(એજન્સી) ભુવનેશ્વર, તા.ર૦
હિન્દી ભાષા બળજબરીથી થોપવા સામે પોતાનો વિરોધ પ્રકટ કરતાં ઓડિશાના બિજુ જનતા દળ નેતા તથાગતા સતપથીએ કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર તોમરના હિન્દીમાં લખાયેલ પત્રનો જવાબ ઉડિયા ભાષામાં આપતા જણાવ્યું કે મને હિન્દી આવડતી નથી. એથી તમારા પત્રમાં શું લખ્યું છે એ મને સમજાતું નથી. તમે મને અંગ્રેજી અથવા ઓડિયોમાં લખી જણાવો. એમણે એ પછી ટ્‌વીટ કરી લખ્યું કે શું કામ કેન્દ્રીય મંત્રીઓ હિન્દી ભાષા બિન હિન્દી લોકો ઉપર થોપી રહ્યા છે. શું આ અન્ય ભાષાઓ ઉપર હુમલો છે ? તોમરે ૧૧મી ઓગસ્ટે સતપથીને ઈન્ડિયા ર૦રર વિઝન કાર્યક્રમ માટે આમંત્રણ આપતો પત્ર હિન્દીમાં લખ્યો હતો. એના બીજે દિવસે સતપથીએ તોમરને જવાબ આપ્યો હતો. દેશમાં બિન હિન્દી રાજ્યમાં ભાષા બાબતે ઘણી વખતે વિરોધ થયા છે. જેમાંથી ઓછામાં ઓછા ત્રણ દક્ષિણ ભારતમાં થયા હતા. જ્યારે કેન્દ્ર સરકારે હિન્દી ભાષા ફરજિયાત કરી હતી. ૧૯૬પમાં વિરોધો હિંસક બન્યા હતા. જેમાં ૭૦થી વધુ વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. હાલમાં જ મોદી સરકારે સ્ટાલિનના આક્ષેપો સામે જણાવ્યું હતું કે અમે કોઈપણ રાજ્ય ઉપર બળજબરીથી હિન્દી થોપીશું નહીં. અધિકૃત ભાષાઓના નિયમો મુજબ કેન્દ્ર સરકારની ઓફિસ દ્વારા કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ જે સી વિસ્તારમાં આવેલ હોય અથવા એ રાજ્યની વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે તો એની ભાષા અંગ્રેજી હશે. જુલાઈ મહિનામાં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે હિન્દી અથવા અન્ય કોઈ ભાષાને બળજબરીથી કોઈ રાજ્ય ઉપર થોપવાનો અમારો ઉદ્દેશ્ય નથી.