ગાંધીનગર, તા.૩૧
સરદારે તો રજવાડાં એક કરીને દેશને અખંડ બનાવી દીધો. હવે દેશ એક સૂત્રથી જોડાય કે ન જોડાય પરંતુ આજે સરદારના નામે ગુજરાતના રાજકારણના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ છેડાઓને એકસાથે ‘પિક્ચર કર્ટસી’ માટે પણ જોડવાનો પ્રયાસ વડાપ્રધાન મોદી દ્વારા થયો હોય તેમ જણાઈ આવતું હતું.
આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું પ્રસારણ લાઈવ નિહાળતા લોકોને સરદારે સ્થાપેલી એકતાથી વિશેષ કેટલીક ‘નવી એકતા’ જોવાની તક સાંપડી. આજે પ્રદર્શનની મુલાકાત લેતી વખતે અંદર મોટા સ્ક્રિન તરફે સૌથી પહેલા ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી અને ત્યારબાદની બેઠકોમાં વડાપ્રધાન મોદીએ આગ્રહ કરીને તેમની જમણે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને સાથે બેસાડ્યા તો તેમની ડાબી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલને બેસાડી દીધા ! વડાપ્રધાન મોદીની ડાબે-જમણે બેઠેલા આ રાજનેતાઓના રાજકીય સમીકરણો વિશે ઘણુંબધું આગાઉ ચર્ચાઈ ચૂક્યું હોઈ, આ વિશે અત્યારે કોઈ ઉલ્લેખ કરવાનો અસ્થાને રહેશે આ બધાને સાથે બેસાડીને વડાપ્રધાન મોદી કદાચ એવું સાબિત કરવા માંગતા હશે કે, “હમ સાથ સાથ હૈ !”