માંગરોળ,તા.ર૩
૧૭ જુલાઈના રોજ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના ધોરાવલ કાંતવાલી વિસ્તારના ઉમ્મા ગામે જમીનના વિવાદને પ્રશ્ને સ્થાનિક લોકો દ્વારા ૩ર જેટલા ટ્રેક્ટરો અને ટ્રકોમાં આવી આદિવાસીઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ આદિવાસીઓના મોત થતા સમગ્ર દેશમાં જે રાજ્યોમાં આદિવાસીઓની વસ્તી છે ત્યાં આ બનાવ પ્રશ્ને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ પ્રશ્ને આદિવાસી સમન્વય મંચ દ્વારા આજે ઉમરપાડા મુકામે ઉમરપાડા તાલુકાના મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દેશના રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને સંબોધીને તૈયાર કરાયેલ આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, મોતને ભેટેલા આદિવાસીઓની અંતિમક્રિયા પણ ધર્મના રીવાજ મુજબ કરવા દેવામાં આવી નથી. આ તોફાનમાં ઘાયલ લોકો કે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એમને એમના પરિવારના સદસ્યો સાથે મુલાકાત પણ કરવા દેવામાં આવતી નથી. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ભારતના કેટલાક વિસ્તારોમાં આદિવાસીઓ ઉપર અત્યાચાર અને શોષણના બનાવો વધી રહ્યા છે. બંધારણમાં કરાયેલી જોગવાઈ મુજબ આદિવાસીઓને પોતાના હક્કો ન મળશે અને આ પ્રકારના બનાવો બનતા રહેશે તો સમગ્ર દેશમાં આદિવાસી સંગઠનો દ્વારા આંદોલનો શરૂ કરાશે જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને અધિકારીઓની રહેશે આવેદનપત્રમાં માંગ કરાઈ છે કે, આ ગુનાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જવાબદારોને ફાંસીની સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને અને ઉત્તરપ્રદેશ સરકારને આદેશ આપવામાં આવે કે આ ગુનામાં સંડોવાયેલાઓ સામે અનુ. જાતિ અને અનુ. જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ મુજબ સખ્ત કાર્યવાહી કરવામાં આવે, ફાયરિંગમાં મૃત્યું પામેલા મૃતકોના પરિવારને એક-એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે જે જમીનો ઉપર આદિવાસીઓનો કબજો છે. એ જમીન જે તે આદિવાસીઓના નામે કરવામાં આવે મરનારના પરિવારમાંથી એક-એક સભ્યને સરકારી નોકરીમાં રાખવામાં આવે જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે ત્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત હાલમાં ગોઠવવામાં આવે એમ જણાવાયું છે. આ પ્રસંગે હરીશ વસાવા, ગજેન વસાવા, સ્નેહલ વસાવા, અજય વસાવા, ચિંતન વસાવા, જીતેન્દ્ર વસાવા વગેરેઓ હાજર રહ્યા હતા.