National

‘JNUમાં પાછા જવાથી પ્રથમવાર ડર લાગ્યો’ : હુમલામાં ઘાયલ થયેલા પ્રોફેસર

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
છેલ્લા ૨૦ વર્ષથી જવાહર લાલ યુનિવર્સિટી સાથે કામ કરી રહેલા સુચારિતા સેન ટિચિંગ ફેકલ્ટીના પ્રોફેસર બન્યા ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. આજે તેઓ તેમની કારકિર્દીમાં પ્રથમવાર યુનિવર્સિટી કેમ્પસમાં પરત ફરતા ડરી રહ્યા છે. રવિવારે સાંજે જેએનયુ પર ૭૦થી ૧૦૦ જેટલા બુકાનીધારી હુમલાખોરોની ગેંગ દ્વારા કરાયેલા હિચકારા હુમલામાં ઘાયલ થયેલા આશરે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સામેલ છે. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, મારપીટના વીડિયો તથા ફોટા દ્વારા કેટલાક તત્વોની ઓળખ કરી લેવાઇ છે. તેઓ સંસ્થાના ગેટને અવરોધવા કરતા અન્ય આરોપીઓ સાથે સામેલ હતા જ્યારે આરએસએસ સાથે સંકળાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હુમલાખોરો દરેક હોસ્ટેલમાં જઇને લોખંડના સળિયા તથા અન્ય હથિયારોથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માર મારી રહ્યા હતા. સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ રિજનલ ડેવલપમેન્ટના પ્રોફેસર અને ફેકલ્ટી સભ્યોએ કેમ્પસમાં અને આસપાસ હિંસા જેવી સ્થિતિ અંગે ચર્ચા કરવા ભેગા થયા હતા ત્યારે અચાનક કેમ્પસમાં હુમલાખોરોનું જૂથ ધસી આવ્યું હતું. સેને જણાવ્યું કે, મોટાભાગનાઓએ માસ્ક પહેરેલા હતા અને હાથમાં હોકી તથા લાકડીઓ જેવા હથિયારો હતા. તેઓ નાના મોટા પથ્થરો મારી રહ્યા હતા અને તે મારા ખભા પર વાગ્યો હતો. ત્યારે તેમાંથી એકે મારા માથામાં પથ્થર માર્યો હતો જે ઇંટથી અડધા ભાગનો હતો. તેમને ત્યારબાદ યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરમાં લઇ જવાયા ત્યારબાદ વધુ સારવાર માટે એઇમ્સમાં ખસેડાયા હતા. જ્યાં તેમને ઊંડી ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.