અમદાવાદ,તા.૧પ
પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે રાજયભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાજયના જાહેર સ્થળોએ પોલીસે ચેકીંગ કરી તમામ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ગાંધીનગરમાં બીએસએફના કોર કમાન્ડરોની બેઠક મળી હતી.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનો ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલોનાં પગલે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો, પવિત્ર યાત્રાધામો અને દરિયાઇ માર્ગો પર પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજ્યભરનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. હાઈએલર્ટને પગલે અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રેલવે પોલીસ, ય્ઇઁ પોલીસ, ડોગ સ્કોર્ડ, બૉમ્બ સ્કોર્ડ સહિતનો કાફલો ચેકિંગમાં લાગ્યો છે. રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને ચેક કરવામાં આવતા હતા. સુરક્ષામાં કોઈજ પ્રકારની કચાસ ના રહે તે રીતે આ ચેકિંગ કરવામાં આવે છે. માત્ર રેલવે પ્લેટફોર્મ નહીં પણ ટ્રેનની અંદર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રેનમાં બેસેલા મુસાફરોનો સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે. ટ્રેનમાં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે સામન નથી તે ચેક કરવામાં આવી રહ્યું છે. ટ્રેન અને પ્લેટફોર્મ સિવાય રેલવે સ્ટેશનના પાર્કિગમાં મુકેલા તમામ વાહનો રિક્ષા, કાર અને બાઈકો પણ ચેક કરવામાં આવી રહી છે. તેમાં કોઈ સામાન છુપાવીને રાખવામાં નથી આવ્યો તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે. રેલવે પોલીસ હાલમાં તો કહી શકાય કે સતર્ક બની છે.સયાજીગંજ પોલીસ દ્વારા બસ ડેપોમાં ચેકિંગ તેમજ વડોદરા શહેરના એસ.ટી. બસ ડેપો ખાતે સયાજીગંજ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાયું હતું.
પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલા બાદ દેશભરમાં એલર્ટની સ્થિતિ છે. ત્યારે ગુજરાતમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. તેમજ ગુજરાતમાં બોર્ડરની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના કોર કમાન્ડરની એક મહત્વની મીટિંગ ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં કચ્છ સહિતના બોર્ડર વિસ્તારોની સુરક્ષા મુછે વિસ્તૃત ચર્ચા કરી વધુ ચુસ્તબંદોબસ્ત કરવાના આદેશ અપાયા હોવાનું બહાર આવ્યું છે.