અંકલેશ્વર, તા.૨૧
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક હાઇવે પર ટ્રક સાઈડ પર ઊભી રાખી કેબીનમાં સૂતેલા ડ્રાઈવર ઉપર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરી ૬ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક સર્વિસ રોડ પર વહેલી સવારે ટ્રક ચાલક દીપુ જેશીંગ સારંગે પોતાની ટ્રક પાર્ક કરી કેબીનમાં સૂતા હતા. તે દરમ્યાન ત્રણથી ચાર જેટલા અજાણ્યા ઈસમો કેબીનમાં ચઢી તેમને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંકી રોકડા રૂપિયા ૬ હજાર અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત દીપુ સારંગ સ્વયં નજીક આવેલ જયાબેન મોદી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ શહેર પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવી તપાસ હાથ ધરી હતી.