અમદાવાદ,તા. ૧૦
શહેરના એસજી હાઇવે પર ચાંદખેડા વિસ્તાર નજીક મોડી રાત સુધી ચાલતાં લારી-ગલ્લાં બંધ કરાવવા ગયેલી પીસીઆર વાનના પોલીસ કોન્સ્ટેબલ પર સ્થાનિક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ પર હુમલાની ઘટનાઓ શહેરમાં દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ નાગરિકોની સુરક્ષા કેવી રીતે કરશે તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. પોલીસ પર હુમલાની ઘટનાઓ જોતાં ગુનેગારો અને માથાભારે તત્વોને હવે જાણે પોલીસનો કોઇ ડર રહ્યો ના હોય તેવો માહોલ ઉભો થઇ રહ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ અન્ય પોલીસકર્મીઓ સાથે ગઈકાલે મોડી રાત સુધી ચાલતા લારી-ગલ્લા બંધ કરાવવા એસજી હાઇવે પર એન્જિનીયરીંગ કોલેજ પાસે પહોંચ્યા હતા, જ્યાં ચાની કીટલી ચાલુ હતી. કોન્સ્ટેબલ અશ્વિનભાઈએ પીસીઆર વાનમાંથી નીચે ઊતરીને કીટલીના માલિકને કીટલી બંધ કરવા કહ્યું હતું. કીટલી બંધ કરવાનું કહેતાંની સાથે જ કીટલીનો માલિક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. અશ્વિનભાઈએ ગાળાગાળી કરવાની ના પાડતાં તેણે અને તેની સાથેના માણસોએ મારામારી શરૂ કરી દીધી હતી. વાત વણસતાં પીસીઆર વાનના અન્ય પોલીસ કર્મચારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને અશ્વિનભાઇને છોડાવી આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.