અમદાવાદ,તા.ર૮
મહુવા પંથકમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં સદભાવનાની સુવાસ માટે ખ્યાત પ્રસિધ્ધ સંત અને કોમી એકતાના મશાલચી કથાકાર મોરારીબાપુ હરિયાણીએ તેમના વતનના સામાન્યજન ઘોડાગાડીવાળા હુસૈન ચાચાને મક્કા-મદીના હજ માટે મોકલી કોમી એકતાની વધુ એક મિશાલ પેશ કરી છે. હાલ હજ કમિટીમાં જવું શકય ન હોઈ ૮ર વર્ષના ઉત્સાહી હુસૈન ચાચાને ખાનગી ટૂર મારફત મોકલવાનું નક્કી કરતા અમદાવાદના જાણીતા હજ ટુર ઓપરેટર હાજી યાકૂબ મુન્શી અલફારૂકવાળાએ તાત્કાલિક વીઝા સહિતની કામગીરીમાં સહયોગ આપી ચાલુ વર્ષે જ હજની અદાયગીનો પ્રબંધ કર્યો હતો. વર્ષો જૂના સંબંધોને હજીયે મહેકતા રાખવાની આ ઘટનાની વિગત એવી છે કે, વર્ષો પહેલા તલગજરડાના મોરારીબાપુ હરિયાણી મહુવાની તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે મહુવાના નૂતનનગર, કુબેરબાગ પાછળ રહેતા હુસૈનભાઈ વલીભાઈ પઠાણ ઘોડાગાડી ચલાવતા હતા ત્યારે શિક્ષક મોરારીબાપુ શાળાએથી બગીચા સ્ટેન્ડે આવે. ત્યારે હુસૈનભાઈની ઘોડાગાડીમાં બેસી તેમના સ્લમ કવાર્ટસના નિવાસસ્થાને જતા હતા આ સફર સ્નેહના બંધનમાં એવી બંધાઈ કે પછી તો મોરારીબાપુ હુસૈનભાઈની ઘોડાગાડીમાં જ ઘરે જાય, ઘરે પહોંચ્યા પછી ભાડું તો અચૂક આપે જ. સાથે સાથે તેમના ઘરે હિંચકા ઉપર સાથે બેસાડી ચા પીવડાવ્યા વગર જવા ન દે. આમ હુસૈન ચાચાએ હર્ષ ભેર ‘ગુજરાત ટુડે’ને જણાવ્યું હતું.
ભૂતકાળમાં સરી જતાં હુસૈનચાચાએ કહ્યું કે, પછી તો ઘરોબો એવો થયો કે તેમના પુત્ર-પુત્રીને પણ સંસ્કૃતના ટયુશન માટે શાસ્ત્રીજીને ત્યાં હું જ ઘોડાગાડીમાં લઈ જતો હતો. નાના માણસ સાથેની મોરારીબાપુની આત્મીયતા અને ઉદારતાની વાત જ થાય એવી નથી ! વર્ષોથી મોરારીબાપુ રમઝાનમાં ર૭મીનો મહાત્મ્યવાળો રોઝો રાખી મુસ્લિમ બિરાદરો સાથે ઈફતારી કરે છે. પાંચ-સાત વર્ષ પહેલાં આવા જ એક ર૭માં રોઝાના દિવસે બાપુએ મને કહ્યું કે હુસૈનમિયાં કેટલા વાગ્યા ? મેં કહ્યું બાપુ મારી પાસે ઘડિયાળ નથી. તો તાત્કાલિક એક ઘડિયાળ મંગાવી મને ભેટ આપી દીધી.
દરમ્યાન છ એક મહિના પહેલા હુસૈનભાઈનો ઘોડો મૃત્યુ પામતા ગાડી સેવામાં આપી દીધી અને મનમાં વિચાર આવ્યો કે, મક્કા-મદીનાની ઝિયારત કરી આવું ત્રણે પુત્રો પોતાના કામ ધંધામાં લાગેલા છે. તેમને વાત કરી પાસપોર્ટની કાર્યવાહી કરી હતી. જે કામ પૂર્ણ થતા સ્વજન જેવા મોરારીબાપુને કહ્યું કે, બાપુ ઉમરાહ કરવા જવું છે, તો તરત જ મોરારીબાપુએ કહ્યું હુસૈનમિયાં ઉમરાહ નહીં તમે હજ પઢી આવો. તમે એકલા નહીં તમારી બીબી સાથે જાવ અને આ પવિત્ર ફરજ અદા કરો. તમામ બંદોબસ્ત હું કરૂં છું. આ સાંભળી મને અનહદ આનંદ થયો અને એક સામાન્ય ઘોડાગાડીવાળા સાથેનો બાપુનો વ્યવહાર જોઈ મારી ખુશી હૈયામાં સમાતી ન હતી. જો કે મારી પત્ની હલીમાબેનને ચાલવાની તકલીફ હોઈ તે હજમાં આવવા તૈયાર ન હતી. જેથી કોમી એખલાસના હિમાયતી એવા સંત મોરારીબાપુએ તેમના ગુરૂકૂળના સંરક્ષક સ્નેહી જયદેવભાઈ માંકડને તમામ વ્યવસ્થાની સૂચના આપી હતી. તેઓએ કોમીએકતાના હિમાયતી અને મોરારીબાપુના ખાસ સાથી જનાબ મહેંદીબાપુને વાત કરતા તે બંનેના સહયોગથી ‘ગુજરાત ટુડે’નો સંપર્ક કરી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. ત્યારે ‘ગુજરાત ટુડે’ના સહતંત્રી જ. અલમદાર હુસૈન બુખારીનો, પ્રાઈવેટ હજ ઉમરાહ એસો.ના પ્રમુખ અને અમદાવાદની અલફારૂક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના હાજી યાકૂબભાઈ મુન્શી તથા તેમના પુત્ર ફહીમ મુન્શીનો સંપર્ક કરી તાત્કાલિક વીઝા સહિતની વ્યવસ્થા કરી આપી કોમી એકતા અને નેકીના આ કામમાં સહયોગ આપી હુસૈનચાચાની હજ માટે તમામ કામગીરીપૂર્ણ કરી હતી.
આજે એક સંપત્તિવાન સ્વજન જે કામ ન કરે તે કામ પ્રખર રામાયણી અને આદરણીય કથાકાર સંત મોરારીબાપુએ કરી ‘ ઈન્સાન સે ઈન્સાન સે હો ભાઈચારા, યહી પૈગામ હમારા’ ગીતને સાર્થક કર્યું હોવાનું પ્રતિત થાય છે. આ અગાઉ પણ મોરારીબાપુએ તલગાજરડાના સાવ સામાન્યજન એવા ફુલ્ફીવાળા યુનુસભાઈ ઉર્ફે નાથાભાઈ અને તેમની પત્નીને હજયાત્રાએ મોકલ્યા હતા. ત્યારે હુસૈનચાચાએ પણ લાગણી સભર શબ્દોમાં કહ્યું કે અલ્લાહના ઘર અને રસુલેપાક (સ.અ.વ.)ના મજારે જઈને કહીશ કે, મારી પાસે કાંઈ નથી. અહી આવવાની મારી હેશિયત ન હતી પણ મને મોરારીબાપુએ મોકલ્યો છે અને કાલી કમલીવાલા સરકારને કાયમ ખભેકાળો કંબલ રાખતા મોરારીબાપુના સલામ પેશ કરીશ. અને વળતા તેમના માટે ઝમઝમનું પવિત્ર પાણી લાવીશ. આ વાત મેં જયારે મોરારીબાપુને કરી તો તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
હુસૈનચાચાએ વાતચીતના અંતમાં જણાવ્યું કે ગુજરાતને એક નહીં આવા અનેક મોરારીબાપુ અને મહેંદીબાપુની જરૂર છે જેઓ રાજયમાં કોમી એકતા અને સદભાવનાના દૂત બની કામ કરે. અમે મહુવાવાસીઓ નસીબદાર છીએ કે અમને આવા બેમિશાલ બાપુઓ મળ્યા છે. અલ્લાહ ત્આલા ગુજરાત અને ભારતની સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે બંને કોમમાં આવા એકતાના હિમાયતીઓને આબાદ કરે.