સુરત, તા.૧૪
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આઈકાર્ડ ન મળતા જે તે ઈજારદારને પેનલ્ટી કરી અને બ્લેક લિસ્ટ જાહેર કરવા વિપક્ષી નેતા નટુભાઈ પટેલે માગણી કરી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ૩૪૪ શાળાઓ ધરાવે છે. જેમાં ગરીબ પરિવારના ૧,પ૮,૦૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે.
ચાલુ શૈક્ષણિક વર્ષના બાળકોને રંગબેરંગી ડ્રેસ આપવાને બહાને રૂા.૧પ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. સમિતિના અધિકારી અને પદાધિકારી આ બાબતે બાળકોને ગણવેશ આપવામાં ઉણા ઉતરેલા માલૂમ પડે છે. જેની સહી હજી સુકાઈ નથી જ્યારે સમિતિનો બીજો વિવાદ સામે આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને આઈકાર્ડ આપવા માટે રૂા.રપ લાખનું બજેટ છે. સમિતિ દ્વારા તા.૧પ/૬/૧૮ના રોજ રૂા.૩૧ લાખના આઈકાર્ડનો ઓર્ડર ખેની એન્ટરપ્રાઈઝને આપવામાં આવેલ છે. જેમાં ૯૦૦ દિવસની સમય-મર્યાદામાં આઈકાર્ડ આપવાની ટેન્ડરમાં શરત છે. જેની મુદ્દત તા.૧ર/૯/૧૮ના રોજ પૂર્ણ થયેલ છે. તે સમય મર્યાદા બાદ વધુ બે મહિનાની મુદ્દત વધી ગઈ હોવા છતાં ઈજારદાર હજી પણ આઈકાર્ડ આપી શક્યા નથી. જે સમિતિ માટે શરમજનક છે.
સમય મર્યાદામાં આઈકાર્ડ પુરા પાડવામાં ન આવ્યા તે બદલ મજકુર એજન્સીને પેનલ્ટી અને બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેને બદલે ૩૦-૩૦ દિવસની મુદ્દત વધારવા છતાં સમિતિના શાસકો વિદ્યાર્થીઓના હિતમાં નહીં પરંતુ પોતાના હિતમાં નિર્ણય લઈ વિદ્યાર્થીઓ સામે અન્યાય કરી રહ્યા છે. એવું નટુભાઈ પટેલ તથા શફીભાઈ જરીવાલાએ જણાવ્યું છે.ઉપરોક્ત બાબતે આ એજન્સીને પેનલ્ટી કરી બ્લેક લિસ્ટ જાહેર કરવા માગણી કરી છે.