પ્રેમ એટલે….શબ્દોથી જેનું વર્ણન ના થઈ શકે, જેની માત્રને માત્ર અનુભૂતિ થઈ શકે એવી લાગણીઓનું ઘોડાપૂર. દરેક શબ્દનો અર્થ જુદી-જુદી ભાષામાં જુદો-જુદો થાય છે. પરંતુ પ્રેમનો અર્થ દરેક ભાષા માટે એક જ રહેવાનો. પ્રેમ અર્થાત્‌ પ્રેમ. પ્રેમને કોઈ બંધન નથી નડતા. એ તો અવિરતપણે વહેતી લાગણીઓનો સમૂહ છે. પ્રેમ અમર્યાદિત છે. પ્રેમ વિશે ઘણું બધું કહેવાયું અને લખાયું છે. કોઈકે ખૂબ સરસ લખ્યું છે, ‘‘કુછ અજીબ સિલસિલા હૈ ઉસકી મહોબ્બત કા, ના ઉસને કૈદ રખ્ખા કભી, ના હમ ફરાર હો પાયે !’’ તમે જેને પણ ચાહો એના માટેની ચાહત ક્યારેય પૂરી નથી થતી. કહેવા માટે તો પ્રેમ એ દિલથી નિભાવાતો એક સીધો-સાદો-સરળ વ્યવહાર છે, જેને જાહોજલાલીની નહીં, સાદગી અને નિર્દોષતાની ઝંખના હોય છે.
‘હું તને પ્રેમ કરું છું’ એ અભિવ્યક્તિ સાર્વત્રિક છે. ખાસ કરીને ભારતમાં પ્રેમનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેના પ્રિયપાત્ર માટે સન્માનની લાગણી અનુભવે છે, તેની મદદ માટે હંમેશા તત્પર રહે છે, તેના વધુ સારા જીવન માટે ઈશ્વરને પ્રાર્થે છે. હંમેશા તેના માટે મંગલકામના કરે છે. પ્રેમને ક્યારેય સફળતા કે નિષ્ફળતા સાથે સરખાવવો ના જોઈએ. પ્રેમમાં જીત કે હારને કોઈ જ સ્થાન નથી. જેને તમે ચાહો છો, તેની સાથે રહી, જો હંમેશા તેનો સાથ આપશો તો અહેસાસ સફળતાની જીતથી પણ પરે હશે.
સામાન્ય રીતે ઉર્દૂ ભાષામાં પ્રેમ માટે એવું કહેવાય છે કે, ચાર દિન કી ચાંદની, ફિર અંધેરા હી અંધેરા. જો કે, પ્રેમની લાગણીનો અનુભવ અને અભિવ્યક્તિ દરેક વ્યક્તિએ બદલાતી રહે છે. પ્રેમને માત્ર વ્યક્તિઓ સાથે જ નહીં, પ્રાણીઓ સાથે પણ નિસ્બત છે. આ બંનેના પ્રેમમાં ફરક માત્ર એટલો જ છે કે એકને (વ્યક્તિને) પ્રેમની અભિવ્યક્તિ માટે શરમ-સંકોચ નડે છે, જ્યારે બીજાને (પ્રાણીઓ, પક્ષીઓ) આ મર્યાદાઓ નડતી નથી. આ અબોલ પશુ-પક્ષીઓ સહેજપણે તેમની વચ્ચેના પ્રેમ, સ્નેહ અને દોસ્તીને શારીરિક સ્પર્શ દ્વારા પણ પ્રદર્શિત કરે છે.
પ્રાણી હોય કે પક્ષી કે પછી કોઈ વ્યક્તિ, ધરતી પરના દરેક જીવને જીવનમાં હંમેશા પ્રેમની ઝંખના રહે જ છે. પ્રેમ એ સહજ છે, સ્વીકાર્ય છે અને દરેકની જરૂરિયાત છે.
પ્રથમ તસવીરમાં રંગબેરંગી માછલીઓ, પોતાનામાં પ્રેમનો વધુ એક રંગ ઉમેરીને પોતાની પૂર્ણતાનો અહેસાસ કરાવી રહી છે. જળમાં વિહરતી આ માછલીઓ આપણને પ્રેમમાં તરબોળ થયેલી જોવા મળી રહી છે.
બીજી તસવીરમાં વૃક્ષની એક નાનકડી ડાળી પર પ્રેમમાં મગ્ન થયેલી બે ખિસકોલીઓ જોવા મળી રહી છે. એકબીજાને પ્રેમથી સ્પર્શ કરી રહેલી ખિસકોલીઓને જોતા એવું લાગી રહ્યું છે કે, પ્રેમનો મીઠો સ્પર્શ દરેક દુઃખને ભૂલાવીને સુખની અનુભૂતિ કરાવે છે.