(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧

ર૦૦રના રમખાણો દરમિયાન થયેલા સામૂહિક બળાત્કાર સહિતના ચકચારી બિલ્કીસબાનો કેસમાં તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે ૧૧ દોષિતોને આજીવન કેદની સજા આપતા ચુકાદા અંગે જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાથી મને સંતોષ છે. ન્યાયતંત્ર ઉપર મને જે ભરોસો હતો તે સાચો પડ્યો છે. મારે ન્યાય જોઈતો હતો બદલો નહીં. તે ન્યાય મને બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે. જેને હું આવકારૂં છું. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા પીડિતા બિલ્કીસબાનોએ જણાવ્યું હતું કે અમને ન્યાય અપાવામાં અમારા વકીલ, કર્મશીલો સહિતના જેટલા લોકોએ અમને સહયોગ આપ્યો તે તમામનો હું આભાર માનું છું. ન્યાય મેળવવા માટે લાગેલા આ ૧પ વર્ષોમાં ઘણી તકલીફો વેઠી છે. ન્યાય મેળવવા ક્યાં જવું ? બીજી તરફ ધમકીઓ મળતી હતી. એટલે સતત ઘર બદલતા રહેતા હતા. તેમાંય રાજ્ય સરકાર અને તેના અધિકારીઓએ કોઈપણ જાતનો સહયોગ આપ્યો ન હતો. બિલ્કીસ બાનો કેસના આરોપીઓને નિર્ભયા કેસની જેમ ફાંસીની સજા સંભળાવી નથી. તેવા પ્રશ્નના જવાબમાં બિલ્કીસ બાનોએ જણાવ્યું હતું કે મારે ન્યાય જોઈએ બદલો નહીં. ત્યારબાદ બિલ્કીસબાનોના પતિ યાકુબભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે ન્યાય મેળવવા માટે અમારે અમારૂં જન્મસ્થળ એવા ગુજરાતને છોડીને અન્ય રાજ્યમાં જવું પડ્યું તે અમારી માટે તકલીફદાયક હતું. ત્યારે કર્મશીલો અમારી સાથે ઉભા રહ્યા હતા. અમને ન્યાય મળ્યો તે બદલ બોમ્બે હાઈકોર્ટનો આભાર માનું છું. જો કે ૧૦થી ૧પ વાર અમારે ગુજરાતમાં ઘર બદલવું પડ્યું છે. અમે સુરક્ષાની માગ પણ કરી હતી. છતાં સરકારે આપી નહીં. ઘર બદલતા હોવાથી મારા બાળકોને ચોક્કસ ક્યાં ભણાવવા તે નક્કી રહેતું નથી. અમારો બિઝનેસ થતો નથી. વધુમાં યાકુબભાઈએ જણાવ્યું હતું કે વર્ષ ર૦૦રમાં ઘટના બની તે વખતે બિલ્કીસબાનોના પેટમાં હતી તે બાળકી આજે ધો.૧૦માં આવી છે. મારા બાળકોને અભ્યાસ કરાવીને વકીલ બનાવીશ. અને સમાજમાં જ્યાં અન્યાય થતો હશે તે લોકો માટે ખાસ બાળકો અવાજ ઉઠાવીને કાનૂની લડત લડશે. બિલ્કીસબાનો કેસમાં વળતર મેળવવા અંગે યાકુબભાઈએ જણાવ્યું હતું કે અમને રાજ્ય સરકાર સામેથી વળતર આપે તેની રાહ જોઈ રહ્યા છીએ. તેઓ નહીં આપે તો કોર્ટમાં જઈશું. બોમ્બે હાઈકોર્ટના ચુકાદા બાદ બિલ્કીસબાનો કેસના વકીલ આર.કે.શાહ અને નયનાબેનનું અમદાવાદમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિલ્કીસબાનો કેસના વકીલ આર.કે.શાહે જણાવ્યું હતું કે આ કેસ એક યુનિક કેસ હતોે. ફરિયાદમાં નામ હોવા છતાં પોલીસને આરોપીઓ મળતા ન હતા. દુષ્કર્મ કેસમાં બિલ્કીસ જ એકલી સાક્ષી હતી ત્યારે રર દિવસ સુધી બિલ્કીસની સરતપાસ ચાલી હતી અને આ કેસમાં બિલ્કીસનો પુરાવો મહત્ત્વનો હતો. પીડિતા નિર્ભયા હોય કે બિલ્કીસ ન્યાય મળવો જ જોઈએ. વધુ એક બિલ્કીસબાનો કેસના વકીલ નયનાબેને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ઉલ્લેખીને જણાવ્યું હતું કે ‘દેર આયે લેકીન દુરસ્ત આયે’ ન્યાય મળે છે તેનો સૌથી મોટો દાખલો છે બિલ્કીસબાનો કેસ. કર્મશીલ નફીસાબેને જણાવ્યું હતું કે બિલ્કીસની લડત તેના માટેની નથી પણ આવી દુષ્કર્મ પીડિત મહિલાઓ માટેની  લડત છે. બિલ્કીસનું દર્દ સમજવું તો દૂર છે પણ તેનો અહેસાસ કરવો પણ આપણા માટે શક્ય નથી ત્યારે આ કાનૂની લડત માટે બિલ્કીસની હિંમતને સલામ કરૂં છું. કર્મશીલ ગગન શેટ્ટીએ જણાવ્યું હતું કે બિલ્કીસ બાનો કેસમાં ચુકાદા બાદ રાજ્ય સરકારે સામેથી તેને વળતર આપવું જોઈએ. તેના માટે શું અમારે સુપ્રીમમાં અરજી કરવી જોઈએ ખરી ?