લંડન,તા.૬
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઇયાન બેલે આગામી વર્ષે યોજાનારા વિશ્વકપ માટે પોતાના દેશ સિવાય ભારત અને પાકિસ્તાનને જીતના દાવેદાર ગણાવ્યા છે. ઈયાન બેલ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં ૨૦૧૫મા યોજાયેલા વિશ્વકપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન હતો. પરંતુ તેની ટીમ વિશ્વકપમાં ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર નિકળી ગઈ હતી.
આગામી વિશ્વ કપ ૩૦ મે ૨૦૧૯થી ઈંગ્લેન્ડમાં રમાવાનો છે. આ વિશ્વકપમાં વિશ્વની ટોપ-૧૦ ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ભારતનો પ્રથમ મેચ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા સામે છે. ઈંગ્લેન્ડ પણ પોતાના અભિયાનની શરૂઆત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે. આ મેચ ૩૦ મેએ રમાશે. પાકિસ્તાનનો પ્રથમ મેચ ૩૦ મેએ છે. તે પોતાના અભિયાનની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શરૂ થશે.
ઇયાન બેલે સ્કાઈ સ્પોટ્‌ર્સને કહ્યું, લોકો કહી રહ્યાં છે કે તે (ઈંગ્લેન્ડ) વિશ્વકપનું દાવેદાર છે. પરંતુ ભારત તેમાં ખૂબ મજબૂતીથી ઉભરી રહ્યું છે. બીજી તરફ જે રીતે આપણે ગત ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોઈ ચુક્યા છીએ કે પાકિસ્તાનનીટ ટીમ ખતરનાક છે. તેની ટીમમાં ઘણા મેચ વિનિંગ ખેલાડી છે. તેવામાં મને લાગે છે કે, વિશ્વકપમાં ખૂબ રોમાંચ થવાનો છે. પરંતુ હું કહું તો મને ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ભારત જ ટાઇટલના દાવેદાર લાગી રહ્યાં છે.