સિડની, તા.૧૦
ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ બાંગ્લાદેશ વિરૂદ્ધ પોતાના ડે-નાઈટ ટેસ્ટના સફરની શરૂઆત કરી છે. કોલકાતામાં રમાયેલી આ ટેસ્ટ મેચને ટીમ ઈન્ડિયાએ ઈનિંગના માર્જિનથી જીતી. ભારતની આ જીત બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ વિરાટ સેનાના આગામી પ્રવાસમાં બે ડે-નાઈટ ટેસ્ટ રમવા પર વિચાર કરી રહ્યું છે પણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ઈયાન ચેપલે આ પહેલા ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે. ઈયાન ચેપલે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમને ભારત વિરૂદ્ધ બે ડે-નાઈટ ટેસ્ટ રમવાનું ભારે પડી શકે છે. ચેપલ અનુસાર ભારતનું બોલિંગ આક્રમણ સારૂં છે જે ઓસ્ટ્રેલિયાને નુકસાન પહોંચાડી શકે છે. ચેપલે એક વેબસાઈટ ઉપર લખેલી પોતાની કોલમમાં કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ર૦ર૦-ર૧માં ભારતીય ટીમના પ્રવાસમાં બે ડે-નાઈટ ટેસ્ટ રમવા વિચાર કરી રહ્યું છે. આનો હેતુ ઓસ્ટ્રેલિયાને ફાયદો પહોંચાડવાનો છે પણ આ પગલું ઊંધું સાબિત થઈ શકે છે. કારણ કે ભારતનું બોલિંગ આક્રમણ મજબૂત છે.