(એજન્સી) તા.૨
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ આઈએએસ બનવાની મહત્ત્વકાંક્ષા ધરાવતા સુલેમાનને સીએએ વિરોધી દેખાવોમાં ગોળી મારીને મારી નાખનારા છ પોલીસકર્મીઓને ક્લિનચીટ આપી દીધી છે. એક જાણીતા અંગ્રેજી અખબારે આ માહિતી બુધવારે આપી હતી.
રિપોર્ટમાં કહેવાયું હતું કે એસઆઈટીએ ઉલટાનું પીડિત મોહમ્મદ સુલેમાન પર જ આરોપ મૂકી દીધો હતો જે ખુદ એક કોલેજનો વિદ્યાર્થી હતો. તેના પર હિંસામાં સંડોવણીનો આરોપ મુકાયો હતો, જોકે તેના પરિવારજનોએ આ આરોપોને ફગાવી દીધા હતા.
એસઆઈટીએ રિપોર્ટમાં સુલેમાનના પરિવારજનો દ્વારા લગાવાયેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. એસઆઈટીએ ઉલટાનું જે પોલીસકર્મીઓ સામે આરોપ મૂકાયો હતો તેમને ક્લિનચીટ પણ આપી દીધી હતી.
એસઆઈટીનું નેતૃત્વ કરનારા બિજનોરના સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ લક્ષ્મી નિવાસ મિશ્રાએ એક જાણીતા અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પોલીસકર્મીઓ પર આરોપ મૂકાયો છે તેમને ક્લિનચીટ અપાઈ છે. અમે નોંધ્યું કે સુલેમાન દેખાવોમાં સામેલ હતો અને તે એક આરોપી હતો. જોકે તે મૃત્યુ પામી ચૂક્યો છે એટલા માટે હવે તેની સામે કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી. ૨૦ ડિસેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લામાં આવેલા નાહતુર ગામમાં ભયંકર હિંસા ફાટી નીકળી હતી. ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષનો વિદ્યાર્થી સુલેમાન યુપીએસસીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. જોકે યુપી પોલીસ દ્વારા ચલાવાયેલી ગોળી જ તેને વાગી હતી. તે જુમ્માની નમાઝ અદા કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે જ આ ઘટના બની હતી.