(એજન્સી) મુંબઈ, તા.૧૮
ઓરિસ્સાના સંબલપુરમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનારા ૧૯૯૬ની બેચ અને કર્ણાટક કાડરના આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસીનને બુધવારે ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધા છે. ત્યાં સંબલપુર લોકસભા ક્ષેત્રમાં સામાન્ય પર્યવેક્ષક તરીકે નિમણૂક હતા. પંચના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, મોહસીને એસપીજી સુરક્ષા હેઠળ ગણમાન્ય વ્યક્તિઓના નિર્દેશો મુજબ પોતાની ડ્યૂટીને અંજામ આપ્યો નથી. માટે તેમને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ મહાનિર્દેશકના રિપોર્ટના આધારે પંચે સંબલપુરના સામાન્ય પર્યવેક્ષકને ઘટનાના એક દિવસ પછી સસ્પેન્ડ કરી દીધા. ઘટના મંગળવારે બની હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સંબલપુરમાં વડાપ્રધાનના હેલિકોપ્ટરની તપાસ કરવી પંચના દિશા-નિર્દેશો મુજબ ન હતું. એસપીજી સુરક્ષા મેળવેલા લોકોને આવી તપાસની છૂટ મેળવેલી હોય છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદીને ઓચિંતી થયેલી ચેકિંગના કારણે ૧પ મિનિટ રાહ જોવી પડી હતી.
મંગળવારે ઓરિસ્સાના જ રાઉરકેલામાં ચૂંટણી અધિકારીઓની ફ્લાઈંગ ટીમે મુખ્યમંત્રી નવીન પટનાયકના સામાનની પણ તપાસ કરી હતી.
કોંગ્રેસનો પ્રહાર
કોંગ્રેસે આ મામલા પર આજે સવારે પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના સત્તાવાર હેન્ડલથી એક ટ્‌વીટ કરવામાં આવ્યું. તેમાં લખ્યું છે, ચૂંટણી પંચે એક અધિકારીને વાહનોની તપાસના તેના કામ કરવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. પ્રચારમાં ઉપયોગ થનારા વાહન નિયમોના દાયરામાં આવે છે. વડાપ્રધાનના વાહનને તપાસની છૂટ મળતી નથી. મોદી હેલિકોપ્ટરમાં એવું શું લઈ જાય છે જે તેઓ ભારતને બતાવવા ઈચ્છતા નથી.

કોણ છે તે IAS જે વડાપ્રધાન મોદીના કાફ્લાની તપાસ પર થયા સસ્પેન્ડ

(એજન્સી) તા.૧૮
ચૂંટણી પંચે કર્ણાટકના એક આઈએએસ અધિકારીને કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફ્લાની તપાસ કરવા પર સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીનું નામ મોહમ્મદ મોહસીન છે, તેમને સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદ મોહસીને વડાપ્રધાનના કાફ્લાના એક વાહનની તપાસનો પ્રયાસ કર્યો હતો. જો કે મંગળવારે વડાપ્રધાન મોદીએ ઓરિસ્સાના સંબલપુરમાં ચૂંટણી મુલાકાત લીધી હતી અને તે સમયે કર્ણાટક બેંચના આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસીન સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક હતા. તેમણે વડાપ્રધાન મોદીના કાફ્લાની તપાસ કરવાનો પ્રયાસ કર્યો. આ વાત અંગે પીએમઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી. ત્યારબાદ ચૂંટણી પંચને એસપીજી સુરક્ષા છતાં તપાસ લેવાની માહિતી મળી અને ચૂંટણી પંચે નિર્દેશોના ઉલ્લંઘનના આરોપમાં આઈએએસ મોહમ્મદ મોહસીનને સસ્પેન્ડ કરી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચના દિશા-નિર્દેશોથી અલગ અધિકારીએ કાર્યવાહી કરી હતી. એસપીજી સુરક્ષા મેળવેલ લોકોને આવી તપાસની છૂટ મળેલી હોય છે.
કોણ છે આઈએએસ મોહમ્મદ મોહસીન ?
મોહમ્મદ મોહસીન પટણાના રહેવાસી છે અને કર્ણાટક સરકારમાં સચિવ (સોશિયલ વેલ્ફેર વિભાગ) છે. તેઓ કર્ણાટક કેડરથી આઈએએસ બન્યા છે. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ કોમનો અભ્યાસ કર્યો છે અને વર્ષ ૧૯૯૪માં યુપીએસસી સિવિલ સર્વિસેજનો અભ્યાસ કરવા દિલ્હી આવ્યા હતા. પ્રથમ પ્રયત્નમાં તેઓ સિવિલ સર્વિસેજ પ્રી પરીક્ષામાં સફળ થઈ શક્યા નહીં અને ત્યારબાદ તેમણે ફરી તૈયારી કરી. ત્યારબાદ તેઓ આ પરીક્ષામાં સફળ થયા. જો કે તેમના એક ઓછા હતા અને તેઓ આઈએએસ બની શક્યા નહીં. વર્ષ ૧૯૬૯માં જન્મેલા મોહમ્મદ મોહસીને ફરી તૈયારી કરી અને ૧૯૯૬ બેંચથી આઈએએસ અધિકારી બન્યા. તેમણે ઉર્દૂ સ્ટડીઝની સાથે પોતાનો અભ્યાસ કર્યો હતો. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ તેઓ કર્ણાટક સરકારના શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોમાં અધિકારી રહી ચૂક્યા છે, તેઓ કર્ણાટકમાં અનેક પ્રશાસનિક પદો પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ શરૂઆતમાં એસડીએમ પદ પર રહ્યા અને ત્યારબાદ જિલ્લા પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગમાં ડેપ્યુટી કમિશનર વગેરે પદો પર કાર્ય કરી ચૂક્યા છે.