(એજન્સી) જમ્મુ, તા.રર
રાજકારણમાં સામેલ થવાની આશંકાઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ આઈએએસ અધિકારી ફારૂક અહેમદ શાહે સેવામાંથી રાજીનામું આપી દીધું છે. એવી સંભાવના છે કે, તેઓ લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા નેશનલ કોન્ફરન્સમાં સામેલ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, ર૦૦૪ બેંચના આઈએએસ અધિકારી શાહ વર્તમાન સમયમાં લોક સ્વાસ્થ્ય એન્જિનિયરીંગ, સિંચાઈ તેમજ પૂર નિયંત્રણની સાથે પ્રશાસનિક સચિવ, રાહત, પુનર્વાસ તેમજ પુનનિર્માણનો વધારાનો પ્રભાર સંભાળી રહ્યા હતા. તેમણે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ માટે અરજી કરી હતી. સામાન્ય પ્રશાસન વિભાગે જણાવ્યું કે, આઈએએસ અધિકારી ખુર્શિદ અહેમદ શાહને ફારૂક અહેમદ શાહના સ્થાને આ પ્રભાર તાત્કાલિક રીતે સોંપવામાં આવ્યો છે.
પાછલા કેટલાક દિવસોથી આવા સમાચાર હતા કે, પ૭ વર્ષીય શાહ સરકારી સેવામાંથી રાજીનામું આપીને ચૂંટણી પહેલાં નેશનલ કોન્ફરન્સમાં સામેલ થઈ શકે છે. આ પહેલાં આઈએએસ અધિકારી શાહ ફૈસલ નવ જાન્યુઆરીએ સેવામાંથી રાજીનામું આપી ચૂક્યા છે. તેઓ ર૦૦૯માં સંઘ લોક સેવા પંચની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવીને ચર્ચાના કેન્દ્રમાં આવ્યા હતા. તેમણે સેવામાંથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે, તેઓ મુખ્યધારાની રાજકીય પાર્ટી અથવા અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સમાં હાલમાં અત્યારે સામેલ થશે નહીં પરંતુ તેઓ આગામી લોકસભા ચૂંટણી લડીને ખુશ થશે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુધવારે ૪૩ અધિકારીઓની બદલી અને નિમણૂકનો આદેશ આપ્યો.