નવી દિલ્હી, તા.૧
ઓસ્ટ્રેલિયા ભારતને પાછળ છોડીને વર્લ્ડ નંબર ૧ ટેસ્ટ ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા ૧૧૬ પોઇન્ટ્‌સ સાથે પ્રથમ અને ન્યૂઝીલેન્ડ ૧૧૫ પોઇન્ટ્‌સ સાથે બીજા સ્થાને છે. ભારત ઓક્ટોબર ૨૦૧૬થી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતું, જોકે હવે કોહલીની ટીમ ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. ભારતના ૧૧૪ પોઇન્ટ્‌સ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પોતાની પોઇન્ટ સિસ્ટમ અપડેટ કરી છે. જેમાં હવે ૨૦૧૬-૧૭ની સીઝન દરમિયાન મેળવેલા પોઇન્ટ્‌સને રેન્કિંગની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતા નથી. તેમજ મે ૨૦૧૯ સુધી રમાયેલી મેચોને મહત્ત્વ પણ સિસ્ટમમાં ચાલુ વર્ષની મેચોની સરખામણીએ ઘટાડી દીધું છે. ભારત ૨૦૧૬-૧૭ની સીઝનમાં ૧૨ ટેસ્ટ જીત્યું હતું અને માત્ર ૧ હાર્યું હતું. જ્યારે ઑસ્ટ્રેલિયાએ તે જ સીઝનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ ગુમાવી હતી. આ રીતે ભારતને નુકસાન અને કાંગારૂને ફાયદો થયો છે. છેલ્લા કેટલાક સમયથી નિરાશાજનક દેખાવ કરનાર દક્ષિણ આફ્રિકા હવે શ્રીલંકાથી પાછળ છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકા ફેબ્રુઆરી ૨૦૧૯થી રમાયેલી ૯માંથી ૮ સીરિઝ હાર્યું છે. ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડ ૧૦૫ પોઇન્ટ્‌સ સાથે ચોથા, શ્રીલંકા ૯૧ પોઇન્ટ્‌સ સાથે પાંચમા અને દક્ષિણ આફ્રિકા ૯૦ પોઇન્ટ્‌સ સાથે છઠ્ઠા ક્રમે છે. ્‌-૨૦ રેન્કિંગની શરૂઆત ૨૦૧૧થી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા પહેલીવાર ફોર્મેટમાં નંબર ૧ ટીમ બની છે. પાકિસ્તાન છેલ્લા ૨૭ મહિનાથી ટોપ પર હતું અને હવે ઓસ્ટ્રેલિયાએ તેને રિપ્લેસ કર્યું છે. ઓસ્ટ્રેલિયા શ્રીલંકા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે રમેલી છેલ્લી ૯માંથી ૭ મેચ જીત્યું છે. ઑસ્ટ્રેલિયા ૨૭૮ પોઇન્ટ્‌સ સાથે પ્રથમ, ઇંગ્લેન્ડ ૨૬૮ પોઇન્ટ્‌સ સાથે બીજા અને ભારત ૨૬૬ પોઇન્ટ્‌સ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાન ત્રણ ક્રમના નુકસાન સાથે ૨૬૦ પોઇન્ટ્‌સ સાથે ચોથા અને દક્ષિણ આફ્રિકા ૨૫૮ પોઇન્ટ્‌સ સાથે પાંચમા ક્રમે છે. વનડેમાં ૨૦૧૯ વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડ ૧૨૭ પોઇન્ટ્‌સ સાથે ટોપ પર છે. ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. તેમના ૧૧૯, ૧૧૬, ૧૦૮ અને ૧૦૭ પોઇન્ટ્‌સ છે.