દુબઈ,તા.ર૮
આઈસીસીએ દાવો કર્યો છે કે અલ જઝીરા સ્પોટ ફિક્સિંગના આરોપોની તેની તપાસમાં પર્યાપ્ત સહયોગ આપી રહ્યું નથી. આ ટીવી ચેનલે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમો સાથે જોડાયેલી મેચોમાં ફિક્સિંગના આરોપ લગાવ્યા છે. ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં દાવો કર્યો છે કે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા દેશ તે ટીમોમાં સામેલ થઈ શકે છેે જેમને છેલ્લા બે વર્ષોમાં મેચ ફિકસરોએ પ્રભાવિત કર્યા છે. આઈસીસીએ નિવેદનમાં કહ્યું કે અમારી પ્રસારકો સાથે વાત ચાલી રહી છે. જેણે અમને સહયોગ કરવા અને જાણકારી આપવાનો સતત આગ્રહને નકારી કાઢ્યા છે. જેનાથી અમારી તપાસમાં અડચણ ઊભી થઈ છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું કે તે આ આરોપોને ગંભીરતાથી લઈ રહી છે અને તેણે પ્રસારિત થયેલા આ પૂરા સ્ટિંગ ઓપરેશનને જોયું છે.

પીસીબીએ ફિક્સિંગ વીડિયોમાં બતાવાયેલા હસન રઝાની તપાસ શરૂ કરી

કરાચી,તા.ર૮
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તે વીડિયોના તથ્યોની તપાસ શરૂ કરી દીધી છે. જેમાં તેના ટેસ્ટ ખેલાડી હસન રઝાને ભારતીય મૂળના ખેલાડી સાથે બતાવાયો છે. જે એક અન્ડર કવર રિપોર્ટર સાથે કથિત રીતે મેચ ફિક્સિંગ કરારને લઈ વાત કરી રહ્યો છે. પીસીબીએ કહ્યું કે તેનું એન્ટી કરપ્શન યુનિટ રઝાની ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી સંબંધિત રિપોર્ટની સમીક્ષા કરવાની પ્રક્રિયામાં છે. પીસીબીએ કહ્યું કે જરૂર પડશે તો ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

શ્રીલંકાએ પિચ ફિક્સિંગમાં ફસાયેલા બેને સસ્પેન્ડ કર્યા

કોલંબો,તા.ર૮
શ્રીલંકા ક્રિકેટે એક ખેલાડી અને એક મેદાની કર્મીને સસ્પેન્ડ કરી દીધા છે જે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી ટેસ્ટનું પરિણામ પ્રભાવિત કરવા માટે પિચ સાથે છેડછાડ કરવા કથિત રીતે રાજી થયા હતા. પોલીસે પણ આ દાવાની તપાસ શરૂ કરી છે. શ્રીલંકા ક્રિકેટે કહ્યું છે કે તેણે ગાલે સ્ટેડિયમના ક્યુરેટર ઉપરાંત તે પ્રોફેશનલ ખેલાડીને પણ સસ્પેન્ડ કરી દીધો છે. જે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર પર અલ જઝીરાની ડોક્યુમેન્ટરીમાં દેખાયો હતો.