(એજન્સી) સંયુક્ત રાષ્ટ્રસંઘ, તા.૨૦
બ્રિટન, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)માં એક બેઠક પરની ચૂંટણીમાં ભારતના ઉમેદવાર દલવીર ભંડારીને રોકવા માટે હલકી રાજનીતિ પર ઉતરી આવ્યું છે. તે મતદાનની પ્રક્રિયાને ખતમ કરવા માટે જોઈન્ટ કોન્ફરન્સ મિકેનિઝમ પર ભાર મૂકીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાના કાયમી સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે.
ભંડારી ચૂંટણી દોટમાં આગળ ચાલી રહ્યા છે. આઈસીજેની એક બેઠક માટે ભંડારી અને બ્રિટનના ક્રિસ્ટોફર ગ્રીનવૂડ વચ્ચે ચૂંટણીનું પરિણામ નહીં આવ્યા બાદ મડાગાંઠ ઊભી થઈ ગઈ છે. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું છે કે, બ્રિટન સુરક્ષા પરિષદમાં જોઈન્ટ કોન્ફરન્સ મિકેનિઝમ પર ભાર મૂકી રહ્યું છે જેનો ઉપયોગ છેલ્લે લગભગ ૯૬ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો અને તેની વિરૂદ્ધ સ્પષ્ટ કાનૂની અભિપ્રાય છે.
ભારતના પૂર્વ સંસ્થાનવાદી શાસક દ્વારા ગંદી રાજનીતિ રમવામાં આવી રહી હોવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અંદરના વર્તુળે જણાવ્યું હતું. ભૂતકાળમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં બહુમતી પ્રાપ્ત કરનાર ઉમેદવારને જ હેગ સ્થિત આઈસીજેમાં ન્યાયાધીશ તરીકે ચૂંટવામાં આવે છે. ભંડારીની પાસે ૧૯૩ સભ્યોના સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ૨-૩ સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. જ્યારે ગ્રીનવૂડ સામાન્ય સભામાં પ૦થી વધુ વોટસથી પાછળ છે. જો કે સુરક્ષા પરિષદમાં તેમને ભંડારીના પાંચ વોટની તુલનાએ ૯ વોટ મળ્યા છે.
આઈસીજેની ચૂંટણી જીતવા માટે કોઈ પણ ઉમેદવારને સામાન્ય સભા અને સુરક્ષા પરિષદમાં બહુમતી પ્રાપ્ત કરવાની જરૂર રહે છે. પરંતુ અત્યાર સુધીના ૧૧ રાઉન્ડ મતદાનમાં કોઈને પણ બહુમતી મળી નથી. બ્રિટન પોતાની તરફેણમાં બહુમતી નહીં હોવાનું પારખી જતા ૧૪ સભ્યો સાથે અનૌપચારિક વાતચીત માટે સુરક્ષા પરિષદમાં ગયું હતું. બ્રિટને સુરક્ષા પરિષદમાં એવો પ્રસ્તાવ રાખ્યો છે કે, સોમવારે પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ મતદાન રોકી દેવામાં આવે અને ત્યારબાદ જોઈન્ટ કોન્ફરન્સ મિકેનિઝમ યોજવામાં આવે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા પરિષદના કેટલાક સભ્યોએ તેનો વિરોધ કર્યો છે. બ્રિટનને મતદાન રોકવા માટે ૯ વોટની જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને જોઈન્ટ કોન્ફરન્સ મિકેનિઝમનો ઉગ્ર વિરોધ કર્યો છે તેમણે ૧૬૦થી વધુ દેશોના રાજદ્વારીઓને જણાવ્યું છે કે, આપ રાજદ્વારી છો. તમે લોકો ગંભીર છો. મતદાન દ્વારા રાજદ્વારીઓ પોતાના મતભેદો ઉકેલતા હોય છે નહીં કે વિતેલા જમાનાની જટિલ પદ્ધતિથી ગૂંચવતા હોય છે.
ICGની ચૂંટણીમાં ભારતને રોકવા માટે બ્રિટન ગંદી રાજનીતિ પર ઉતરી આવ્યું

Recent Comments