ગાંધીનગર, તા.૩
પાટણના સાંસદ લીલાધર વાઘેલાને તેમની ઘરની બહાર ગાયે અડફેટે લેતાં અપોલો હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ગાંધીનગર સેક્ટર-ર૧માં રહે છે.
તેમના પુત્ર હર્ષદભાઈએ જણાવ્યું કે, મારા પિતા બપોરે ૩ઃ૩૦ વાગે જ્યારે ઘરની બહાર ચાલી રહ્યા હતા ત્યારે એક ગાયે તેમને અડફેટે લીધા હતા. તેઓ નીચે પડી ગયા હતા અને ઊભા થઈ શક્તા ન હતા. ત્યારે ત્યાંથી પસાર થતા અને લેબોરેટરીમાં કામ કરતા બે છોકરા તેમની મદદે દોડી આવ્યા હતા અને ત્યારે જ મારી પત્ની પણ બહાર આવી અને તેમને ઊભા કરી ખુરશી પર બેસાડ્યા હતા. ત્યારબાદ તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક્સ-રે રિપોર્ટમાં તેમના પાંસળામાં એકથી વધુ ફ્રેક્ચર દેખાતા તેમને અપોલો હોસ્પિટલ સિફ્ટ કરાયા હતા.
અપોલો હોસ્પિટલે જણાવ્યું કે, ૮૪ વર્ષના સાંસદની પાંસળીઓમાં એકથી વધુ ફેક્ચર થયા છે. તેમની ઉંમરને જોતા આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. તેમની સ્થિતિ સ્થિર છે અને સારવાર હેઠળ છે.
હર્ષદભાઈએ જણાવ્યું કે, કદાચ હજુ તેમને વધુ ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે. તેમની ઉંમરને જોતા ડોક્ટરોએ તેમને કોઈ પ્લાસ્ટરનો પાટો બાંધ્યો નથી. સમયની સાથે તેમના ઘા રૂઝાઈ જશે.