(સંવાદદાતા દ્વારા) ઈડર, તા.૩૦
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં છેલ્લા બે માસથી ઘરફોડ ચોરોનો આતંક ખૂબ વધી ગયો હતો. ચોરોએ રીતસર પોલીસને પડકાર ફેંક્યો હતો. બે માસમાં ૧૦ જેટલી જગ્યાએ ઇડરમાં ચોરી થવાથી ઇડર પોલીસની કામગરી પર સવાલ ઉભા થયા હતા. જેને લઇ પોલીસની ઊંઘ ઊડી ગઈ હતી. પોલીસે પણ કોઈપણ હિસાબે આ ચોરોનો ભેદ ઉકેલવા કમર કસી હતી. જિલ્લા પોલીસ વડા પી.એ. માલની સૂચના મુજબ ઇડર પોલીસ સતત વોચમાં હતી તે દરમિયાન મહાવીર કંકન પારઘી (રહે.મ.પ્ર.)ને રાત્રે એક બાઈક પર શંકા જતો પોલીસે તેની શંકાના આધારે ઉલટ તપાસ કરતા જે બાઈક તે લઈને આવ્યો હતો તે બાઈક ઇડરમાંથી ચોરાયેલું જેને લઇ પોલીસે વધુ તપાસ કરતા આ ઇસમે ઇડરમાં થયેલી ચોરીઓ તેણે અને તેના સાથીઓએ કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તાત્કાલિક બીજા ૫ ઈસમોને હિંમતનગરથી ઝડપી લીધા હતા. આ ચોરો કેટલાક સમયથી હિંમતનગર શહેરમાં આવેલી જીઆઈડીસીમાં કોથડા ઉચકવાનું કામ કરી રાત્રે બાઈકની ચોરી કરતા હતા તેઓ ઇડર આવી બંધ મકાનમાં ચોરી કરી ચોરીનું બાઈક ઇડરમાં મૂકી પરત હિંમતનગર મુકામે જઈ દિવસે મંજૂરી કરતા હતા. આ પકડાયેલા તમામ ઈસમો મધ્યપ્રદેશના ખેડવા જિલ્લાના વતની છે. તેઓની પૂછપરછમાં વધુ નામ ખૂલ્યા છે. પોલીસ વડા પી.એ.માલે પત્રકારોને જણાવ્યું કે, હજુ વધુ ચોરીના ભેદ ખૂલવાની શક્યતા છે પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવામાં ખૂબ મહેનત કરી છે. ઇડરની જનતાને હવે રાત્રે ઉજાગરા કરવા નહીં પડે તેમ જણાય છે.