વોશિંગ્ટન,તા.૧૭
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ એક અનોખુ વ્યક્તિત્વ ધરાવે છે. એક તરફ તેમના ટીકાકારો પણ મોટી સંખ્યામાં છે તો બીજી તરફ તેમના ચાહકોની પણ કમી નથી.
પોતાના નિવેદનો અને સ્વભાવના કારણે છાશવારે ચર્ચામાં રહેતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે જોકે ગૂગલ પર સર્ચ કરવામાં આવે તો વિચિત્ર રિઝલ્ટ મળી રહ્યુ છે. અમેરિકન અખબારે પ્રસિધ્ધ કરેલા અહેવાલ પ્રમાણે ગૂગલ પર ઈડિયટ સર્ચ કરવામાં આવે તો ઈમેજમાં સૌથી પહેલા ટ્રમ્પની તસવીર કોમ્પ્યુટર કે મોબાઈલના સ્ક્રીન પર સામે આવે છે.
સૌથી પહેલી તસવીર ટ્રમ્પની કેમ છે તેવા સવાલનો જવાબ એ છે કે જ્યારે પણ ગૂગલ પર કી વર્ડ ટાઈપ કરવામાં આવે છે ત્યારે ગૂગલ સૌથી પહેલા એ તસવીરો દર્શાવે છે જે શબ્દોને મેટા ટેગમાં રાખવામાં આવ્યા હોય.એનો મતલબ એ થયો કે ટ્રમ્પની હજારો તસવીરો ઈડિયટ શબ્દના ટેગ સાથે ગૂગલ પર અપલો કરાઈ છે.
જોકે ગૂગલના રિઝલ્ટને વિશ્વસનીય તો ના કહી શકાય કારણકે ઈડિયટ શબ્દ ટાઈપ કર્યા બાદ ટ્રમ્પ સિવાય જે ઈમેજીસ સામે આવે છે તેમાં આઈન્સ્ટાઈનની પણ તસવીર છે. ટ્રમ્પની તસવીર ઈડિયટ શબ્દ ટાઈપ કર્યા બાદ પહેલા નજરે ચઢવાનુ એક કારણ એ પણ છે કે બેબી સ્પિટલ નામની અમેરિકન બ્લોગ સાઈટ પર વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરવામાં આવે છે અને આ માટે ઈડિયટ શબ્દ વપરાય છે. આ સાઈટ પણ ખાસી લોકપ્રિય છે.