(એજન્સી) મણિપુર, તા.૧૩
સોમવારે મણિપુરના ચાંડેલ પાસે પેટ્રોલિંગ પર ગયેલા આસામ રાઈફલ્સના બે જવાનોના આઈઈડી બ્લાસ્ટમાં મોત નિપજ્યા છે અને ૪ જવાનો ઘાયલ થયા છે. આ જવાન ૧૮ આસામ રાઈફલ્સના હતા. આ ઘટના સોમવારની સવારે ચાંડેલ પાસે ઘટી હતી.
પોલીસે જણાવ્યું કે, આસામ રાઈફલ્સનું એક દળ ચાંડે શહેરના મહામણિ ગામની પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે આઈઈડીમાં વિસ્ફોટ થયો. ઘટનાસ્થળ રાજ્યની રાજધાનીથી ૬૪ કિ.મી. દૂર છે. એક જવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે, હોસ્પિટલ લઈ જતી વખતે એક ઘાયલ જવાનનું મોત નિપજ્યું હતું. મૃત જવાનોની ઓળખ રાઈફલમેન ઈન્દ્રાસિંહ અને સોહનલાલ તરીકે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૧પ જૂનની રોજ પણ આવો જ હુમલો થયો હતો જેમાં એક જવાનનું મોત નિપજ્યું હતું જ્યારે ૪ જવાન ઘાયલ થયાં હતાં. એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન રેવોલ્યુશનરી પીપલ ફ્રન્ટ (આરપીએફ)એ આ ઘટનાની જવાબદારી લીધી હતી.