(એજન્સી) બિહાર, તા.૧૪
રાજદની દાવત-એ ઈફતારમાં સામેલ થઈને ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહાએ રાજદમાંથી ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. શત્રુઘ્ન સિંહાએ કહ્યું આગામી ચૂંટણીમાં ગમે ત્યાં હોય સ્થળ આ જ રહેશે. એમના આ નિવેદન બાદ ભાવિ રાજકીય અટકળો વહેતી થઈ છે.
અહેવાલ મુજબ તેજસ્વી યાદવે તેમના નિવાસ પાંચ સરર્ક્યુલર રોડ ખાતે ઈફતાર પાર્ટી આપી હતી. તેજસ્વીની આ ઈફતાર પાર્ટીમાં કેટલાય પક્ષના નેતા અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ ઈફતાર પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સાંસદ શત્રુઘ્ન સિંહા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શત્રુઘ્નસિંહાએ કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ સાથે પારિવારિક સંબંધ હોવાના લીધે આ ઈફતાર પાર્ટીમાં આવ્યા છે. આવી જ એક પાર્ટીનું બિહાર સત્તારૂઢ જનતા દળ યુનાઈટેડ (જદયુ) દ્વારા હજભવનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે શત્રુઘ્નસિંહાએ જણાવ્યું કે, જદયુમાંથી ઈફતાર પાર્ટીનું આમંત્રણ મળ્યું હોત તો તેઓ અવશ્ય જતા. રાજદના ટિકિટ પર આગામી ચૂંટણી લડવાના પ્રશ્ને સિંહાએ કહ્યું કે આ વાત પછી ક્યારેક કરશું. વિરોધ પક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે પાર્ટીમાં જોડાવવાનો શત્રુઘ્ન સિંહા પર નિર્ણય છોડતા કહ્યું કે પાર્ટી સિંહાના સ્વાગત માટે તૈયાર છે. સમગ્ર મહાગઠબંધન એક જૂથ છે. સાંસદ મીસા ભારતીએ આ અંગે જણાવ્યું કે, શત્રુઘ્ન સિંહા જ્યાંથી ચૂંટણી લડવા ઈચ્છશે, પાર્ટી એમની સાથે રહેશે. જો કે સિંહાએ કહ્યું કે, તેઓ પારિવારિક મિત્રતાના નાતે અહીં આવ્યા છે. રાજકારણથી એને કોઈ લેવા દેવા નથી. આ ઈદના તહેવારનો મામલો છે. બધાએ એકબીજાને મળવું જોઈએ.