JNUમાં ગુંડા તત્વોએ કરેલા હુમલાના વિરોધમાં અમદાવાદ IMMના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન : ABVPના છાત્રો ઘૂસી આવતાં ઘર્ષણ

દેશભરમાં અને ગુજરાતમાં સીએએ, એનસીઆર અને એનપીઆરનો વિરોધ અટકવાનું નામ લેતો નથી. ત્યારે રવિવારે બુકાનીધારી નામર્દ ગુંડા તત્વોએ જે.એન.યુ.માં કરેલા હિંસક હુમલાથી દેશભરના શાંતિપ્રિય નાગરિકો, કર્મશીલો અને બુદ્ધિજીવીઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે, જેએનયુમાં કરાયેલી તોડફોડ, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર કરાયેલા જીવલેણ હુમલાના વિરોધમાં અમદાવાદમાં આઈઆઈએમના વિદ્યાર્થીઓએ પણ રોડ પર આવી વિરોધ પ્રદર્શિત કર્યું હતું. આ પ્રદર્શનમાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ આ વિરોધનો વિરોધ કરવા એબીવીપીના વિદ્યાર્થીઓ પણ આવી ચઢતા જેએનયુના સમર્થક વિદ્યાર્થીઓ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જો કે તુરત જ પોલીસનો કાફલો આવી જતાં વિદ્યાર્થીઓની અટકાયત કરી મામલો થાળે પાડયો હતો.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં અજાણ્યા બુકાનીધારી ગુંડાઓ દ્વારા કરાયેલા હિંસક હુમલાના દેશભરમાં પડઘા પડ્યા છે. આ ઘટનાને કર્મશીલો, બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ વખોડી હુમલાખોર ગુંડાતત્ત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, ત્યારે અમદાવાદમાં પણ આ ઘટનાના વિરોધમાં આઈઆઈએમના વિદ્યાર્થીઓએ શાંત વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે મુસ્લિમ આગેવાનોએ જેએનયુની ઘટનાને વખોડી કાઢી છે. જેએનયુમાં ગતરાત્રે મોઢા પર બુકાની પહેરી અજાણ્યા નામર્દ ગુંડાઓ ઘાતક હથિયારો સાથે પોલીસની હાજરીમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર જીવલેણ હુમલો કરતા રરથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગતરાત્રીથી જ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા.
દરમિયાન આજરોજ અમદાવાદ આઈઆઈએમના વિદ્યાર્થીઓએ જેએનયુના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર ગુંડાતત્ત્વોએ કરેલા જીવલેણ હુમલાના વિરોધમાં કેમ્પસ બહાર પોલીસ પરવાનગી સાથે શાંત દેખાવો યોજ્યા હતા. જેમાં કર્મશીલો, શાંતિપ્રિય લોકો, બુદ્ધિજીવીઓ સ્વૈચ્છિક સંગઠનના પ્રતિનિધિઓ, એનએસયુઆઈના કાર્યકરો વગેરે જોડાયા હતા.
દરમિયાન આ વિરોધ પ્રદર્શનમાં ખલેલ પાડવા અને જેએનયુમાં ડાબેરી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાના વિરોધ સાથે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધસી આવતા પોલીસ જોતી રહી ગઈ હતી. આ તબક્કે બંને પક્ષો વચ્ચે સામસામે સૂત્રોચ્ચાર અને ઘર્ષણ થયા બાદ પોલીસ દોડી આવી હતી અને બંને પક્ષોના વિદ્યાર્થીઓની અટકાયત કરતા મામલો થાળે પડ્યો હતો.
દરમિયાન જેએનયુની ઘટનાને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમા, વાઈસ ચેરમેન રફીક કાદરી અને ઝોનલ ચેરમેન મધ્ય ઝોન ઈમ્તિયાઝ કાદરીએ જણાવ્યું છે કે, જેએનયુમાં ગુંડાતત્ત્વોએ જે રીતે વિદ્યાર્થિનીઓ અને પ્રોફેસરો પર હિંસક હુમલા કર્યા, તે દુઃખદ છે. આવી ઘટના હરગીઝ ચલાવી લેવાય નહીં. આવા હુમલાખોરોને ઓળખી કાઢી સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ, તેમજ ઘાયલો વહેલી તકે સાજા થાય તેવી અમારી લાગણી છે. સરકારે ઘાયલોની સારવાર મફતમાં કરવી જોઈએ અને તેમને આર્થિક વળતર પણ આપવું જોઈએ.