અમદાવાદ, તા.ર૪
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલી પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા આઈઆએમની વિદ્યાર્થિની સાથે તેના સાથી વિદ્યાર્થીએ જ છેડતી કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આઈઆઈએમની સ્ટુડન્ટ હોસ્ટેલ અને આલ્ફાવન મોલના સિનેપોલીશ થિયેટરમાં સહાધ્યાયી યુવકે છેડતી કર્યાની ફરિયાદ યુવતીએ ગુરૂવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. યુવતીએ આક્ષેપ કર્યા છે કે, આરોપી યુવક, યુવતી અને યુવતીનો મિત્ર થિયેટરમાં ફિલ્મ જોવા ગયા ત્યારે આરોપીએ તેના ખભા પર માથુ મૂકી છેડતી કરી હતી. બાદમાં રૂમમાં ગઈ ત્યારે બાહુપાશમાં જકડી ચુંબન કરી લીધું હતું. યુવતીએ આઠ માસ પછી વસ્ત્રાપુરમાં પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. યુવકે તેની સાથે બદલો લેવા યુવતીએ ખોટી ફરિયાદ કર્યાની રજૂઆત કરી હતી. આઈઆઈએમ વસ્ત્રાપુર ખાતે પીજીપી (પોસ્ટ ગ્રેજ્યુએશન પોગ્રામ) કોર્ષના સેકન્ડ યરમાં અભ્યાસ કરતી ૨૫ વર્ષીય સાયરા (નામ બદલ્યું છે.)એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દેબઅર્નબ સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. દેબઅર્નબ પણ સાયરા સાથે પીજીપીમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. મૂળ કોલકતાનો રહેવાસી દેબઅર્નબ સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહેતો તો સારયા પણ હોસ્ટેલમાં રહેતી હતી. સાયરા, તેનો મિત્ર આકાંક્ષ, દેબઅર્નબ ત્રણ જણા ગત તા. ૧૦/૮/૧૮ના રોજ આલ્ફાવન મોલના સિનેપોલીશ થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયા ત્યાં છેડતી કરી હતી. આઈઆઈએમના ત્રણ વિદ્યાર્થીએ યુવતી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. જેના પગલે સંસ્થાની ઈન્ટરનલ કમિટીએ યુવતીનો દોષ જણાતા તેને આઈઆઈએમ છોડવા અલ્ટીમેટમ આપ્યાનું સંસ્થાના સૂત્રો કહે છે. જેના કારણે યુવતીએ બદલો લેવા ફરિયાદ કર્યાનું ચર્ચાય છે.