(એજન્સી) તા.૭
કાશ્મીરના બે મિત્રોએ એક મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે જે ઓનલાઈન વર્ગો દરમિયાન ઈન્ટરનેટની ધીમી સ્પીડથી સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓને મદદ કરશે. આ એપ્લિકેશનનું નામ વાઈઝ એપ્લિકેશન છે, જે ૪જી સ્પીડની જેમ ૨જી સ્પીડ એક્ટિવ કરશે. આના માધ્યમથી ઝૂમ એપ્લિકેશન પણ સરળતાથી સંચાલિત થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે, કોઈને પણ ઈન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોઈપણ પ્રકારના સોફ્ટવેર વિશે માહિતી હોવી જરૂરી નથી.
શ્રીનગરના હૈદરપોરામાં રહેતા મુબીન મસૂદી અને લખનૌમાં તેના સાથી બિલાલ અબીદીએ આ એપ્લિકેશન તૈયાર કરી છે. બંને ૨૦૧૧માં આઈઆઈટી મુંબઈમાંથી સ્નાતક થયા છે. આ પછી તેમણે દેશ-વિદેશની ઘણી જાણીતી કંપનીઓમાં પણ કામ કર્યું, પરંતુ કાશ્મીર પરત ફર્યા. હવે તેઓ અહીં પ્રતિભાશાળી ઈજનેરો અને ડૉક્ટરોની નવી પેઢી બનાવવા માટે ફાળો આપી રહ્યા છે.
શાકિર રાશીદ મુબીન શ્રીનગરમાં એક કોચિંગ સેન્ટર ધરાવે છે તેમાં હાલમાં ૭૬ વિદ્યાર્થીઓ છે. મુબીન સવારથી સાંજ સુધી આ બાળકોને ભણાવે છે. તેમણે કહ્યું કે, કોરોનાથી ઉદ્ભવેલા સંજોગોમાં તેમણે ઓનલાઈન ભણાવવાનું શરૂ કર્યું, આમાં ઘણી મુશ્કેલી હતી. ઝૂમ અને કેટલીક અન્ય એપ્લિકેશનો અહીં ઈન્ટરનેટની ૨જી સ્પીડથી સારી રીતે કામ કરતી નહોતી, તેથી મેં મારા મિત્ર સાથે મળીને કંઈક કરવાનું વિચાર્યું. એમાં થોડા દિવસની મહેનત લાગી. હવે વાઈઝ એપ્લિકેશન બાળકો માટે તૈયાર છે. જમ્મુ-કાશ્મીરના તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ શાકીર રશીદ મુબીનના કોચિંગ સેન્ટરમાં ઓનલાઈન વર્ગો લઈ રહ્યા છે.
શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયલ નિશાંકે આ બંને મિત્રોનો ઉલ્લેખ ૧૩ ઓગસ્ટના રોજ કરેલા એક ટિ્વટમાં કર્યો છે. શિક્ષણમંત્રીએ લખ્યું છે કે, આઈઆઈટી બોમ્બેના બે સ્નાતક વિદ્યાર્થીઓએ ૨જી સ્પીડ પર પણ ઓનલાઈન શિક્ષણને સક્ષમ કરવા માટે એન્ડ્રોઈડ એપ્લિકેશન તૈયાર કરી છે, તે વપરાશકર્તાઓ માટે ખૂબ અનુકૂળ છે. આ એપ્લિકેશન સંપૂર્ણપણે ફ્રી છે અને કોઈપણ જાહેરાત વિના આવે છે. અત્યાર સુધી લોંચ થયાના એક મહિનાની અંદર આ એપ્લિકેશન ૩૦૦૦ કરતા વધારે વખત ઈન્સ્ટોલ થઈ છે.
મીડિયા સાથેની વાતચીતમાં મસુદીએ કહ્યું હતું કે, હું છેલ્લા આઠ વર્ષથી કાશ્મીરમાં ભણાવી રહ્યો છું. આ બધા વર્ષો દરમિયાન મેં વિદ્યાર્થીઓ, શાળાઓ, સ્થાનિક એનજીઓ અને સરકારના શિક્ષણ વિભાગ સાથે સીધું કામ કર્યું છે. આ સમયનો નોંધપાત્ર હિસ્સો ગણિત અને રસાયણશાસ્ત્રના વિદ્યાર્થીઓ સાથે વિતાવ્યો છે. તેમના મતે પરીક્ષામાં સારા પ્રદર્શન માટે બંને વિષયોની દૈનિક તૈયારી જરૂરી છે. પરંતુ કોરોના રોગચાળાને કારણે શાળાઓ લોકડાઉનને કારણે બંધ થઈ ગઈ હતી અને શિક્ષણમાં અવરોધ ઊભા થયા હતા. આ પછી, તમામ સંસ્થાઓમાં ઓનલાઈન અભ્યાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આને કારણે મારી સાથે ઘણા શિક્ષકો સામે મોટી સમસ્યા ઊભી થઈ. મોટાભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તકનીકી રીતે મજબૂત નહોતા. મસુદી જણાવે છે કે, ઓનલાઈન વર્ગોની સૌથી મોટી સમસ્યા ધીમી ઈન્ટરનેટની સ્પીડ હતી. આવી સ્થિતિમાં મેં મારા લખનૌ મિત્ર અબીદી સાથે વાત કરી અને તેના વિશે કંઈક કરવાનું વિચાર્યું. અમને એવા પ્લેટફોર્મની જરૂર હતી જેમાં દરેક વ્યક્તિ સરળતાથી વિક્ષેપ વિના કનેક્ટ થઈ શકે અને અભ્યાસ ચાલુ રાખી શકે. આને ધ્યાનમાં રાખીને આ હાલની એપ્લિકેશન બનાવવામાં આવી છે. બિલાલ અબીદીના જણાવ્યા અનુસાર, આ એપ્લિકેશન સંપૂર્ણપણે યૂઝર ફ્રેન્ડલી છે. આમાં તકનીકી ભાગને શક્ય તેટલું સરળ બનાવવામાં આવ્યું છે, જેથી દરેક આ એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરી શકે.
Recent Comments