(એજન્સી) મુંબઇ, તા. ૧૬
આઇઆઇટી બોમ્બેના માંસાહારી વિદ્યાર્થીઓ પર નવો હોસ્ટેલ નિયમ લાદી દેવામાં આવ્યો છે જેમાં તેમને માંસ ખાવા માટે સામાન્ય રીતે વપરાતી સ્ટીલની થાળી ન વાપરવા આદેશ આપવામાં આવ્યો છે. તેના બદલે તેમને માંસ ખાવા માટે નાની, પ્લાસ્ટિક ટ્રે થાળી આપવામાં આવી છે. આ ઘટનાનો વિરોધ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, માંસાહારી નિર્દેશ આઇઆઇટીના સત્તાવાળાઓએ આપ્યા નથી પરંતુ હોસ્ટેલ નંબર ૧૧ના સ્ટુડન્ટ કાઉન્સિલના ઇન્ચાર્જે આપ્યા છે. દરમિયાન તમામ આઇઆઇટી હોસ્ટેલોને માંસાહારી ભોજનનો વિકલ્પ આપવામાં આવ્યો છે આ નિર્દેશ હોસ્ટેલ નંબર ૧૧માં રહેતા વિદ્યાર્થીઓ માટે જ બહાર પડાયો છે. આઇઆઇટી બોમ્બેના કેમ્પસમાં સામાન્ય રીતે શાકાહારી મેનુ છે પરંતુ રૂપિયા ૪૦થી ૫૦ રૂપિયા પ્રતિ પ્લેટ આપી વિદ્યાર્થીઓ માંસાહારી વસ્તુ મગાવી શકે છે. આ વસ્તુઓ સામાન્ય રીતે શાકાહારી વસ્તુઓ માટે વપરાતી સ્ટીલની પ્લેટ કરતા નાની હશે અને તે પ્લાસ્ટિકની હશે. હોસ્ટેલ બાબતોનું સંચાલન કરતું એકમ સ્ટુડન્ટ્‌સ કાઉન્સિલના ૧૧ નંબરની હોસ્ટેલમાં આ નિર્દેશ ૧૨મી જાન્યુઆરીએ ઇમેલ દ્વારા બહાર પડાયો હતો. ઇમેલમાં કહેવાયું હતું કે, માંસાહારી ભોજનની પ્લેટો માટે ઘણા વિદ્યાર્થીઓ તરફથી મને ચિંતા દર્શાવવામાં આવી છે. તેથી તમામ માંસાહારી વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે, તેઓ ફક્ત ટ્રે પ્લેટનો ઉપયોગ કરે જે ફક્ત માંસાહારી ભોજન માટે બનાવાઇ છે. માંસાહારી ભોજન માટે મુખ્ય પ્લેટનો ઉપયોગ ન કરશો.
હોસ્ટેલના એક વિદ્યાર્થીએ કહ્યું કે, અમે જોયું છે કે, અન્ય હોસ્ટેલોમાં શાકાહારી અને બિન શાકાહારીઓ માટે જુદી થાળીઓનો ઉપયોગ કરાય છે પરંતુ આ એક વિડંબના છે કે, સમગ્ર સંસ્થાનમાં આવું બની રહ્યું છે. આ કાયદો વિદ્યાર્થી એકમે બનાવ્યો છે પરંતુ સત્તાવાળાઓ તેનાથી અજાણ છે. જોકે કેટલાકે આ મુદ્દો ઉઠાવ્યો છે અને સત્તાવાળાઓ હજુ મૂક પ્રેક્ષક બની રહ્યા છે. એક વિદ્યાર્થીએ કહ્યં કે, મેસમાં નોન-વેજનો કોઇ મોટો મુદ્દો નથી પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ આ મુદ્દે ફરિયાદ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદને આધારે ગેરવાજબી તથા પાયાવિહોણો નિર્ણય લેવામાં આવ્યો છે, માંસાહારીઓ પ્રત્યેની સુગ છોડી દેવી જોઇએ અને આ સંસ્થા માટે શરમની વાત છે કારણ કે તે વૈશ્વિક રીતે સંકળાયેલી છે. જોકે, કેટલાક વિદ્યાર્થીઓએ એવું પણ કહ્યં કે, આ કાયદો નવો નથી પરંતુ નિયમોને યોગ્ય રીતે લાગુ કરવા આદેશ અપાયો છે.