ભાવનગર, તા.૩૦
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મહેશ પ્રવિણભાઈ મકવાણા (ઉ.વ.ર૭) નામના યુવાને ખેડૂતવાસના પોપટનગર વિસ્તારમાં રહેતા પરબત ઉર્ફે ભદી મુકેશ ગોહિલ, મુકેશ સવશીભાઈ, સવશી ગોહેલ, ધીરા સવશી, વનરાજ ઉર્ફે વનો ધીરાભાઈ, રમેશ પોપટ વાઝા, સહિતના શખ્સો સામે એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ૧ વર્ષ પૂર્વે પરબત ઉર્ફે ભદ્રી મુકેશ ગોહિલ સાથે લડાઈ-ઝઘડો થયો હતો. આ અંગેની દાઝ રાખી ગઈકાલે રવિવારે મોડી સાંજે ઉપરોકત તમામ શખ્સોએ લાકડી, ધોકા, ધારિયા, છરી સહિતના જીવલેણ હથિયારો વડે એકસંપ કરી ફરિયાદીના ઘરમાં ઘૂસી ફરિયાદીની પત્ની, બા, ફોઈ, ફોઈના દીકરા, તથા દાદા જીવભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં દાદા જીવાભાઈ મગનભાઈ મકવાણા (ઉ.વ.૭પ)ને આ ઝપાઝપીમાં ધક્કો લાગતા તેઓ જમીન ઉપર પડી જતા જીવાભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમને બેભાન હાલતે સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ હતા જ્યાં ફરજ પરના ડૉકટરે તપાસીને તેમને મૃત જાહેર કરતા આ મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવ અંગે પોલીસ ઉક્ત આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.