ભાવનગર, તા.ર
ગત મોડી રાત્રિના ભાવનગર શહેરના તળાજા રોડ ટોપથ્રી સર્કલ વિસ્તારમાંંથી અપહૃત સગીરા અકસ્માતમાં ઈજા પામેલી હાલતે મળી આવતા બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. ઈસરાની સહિતના કાફલાએ દોડી જઈ સગીરાનો કબજે લઈ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સગીરાના સગાઓ દ્વારા સગીરાનું કેટલાક શખ્સોએ અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવા અંગે પોલીસ સમક્ષ આક્ષેપ કરતા પોલીસે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યાની આશંકા સાથે તબીબી પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી સગીરાની પ્રાથમિક પૂછપરછના આધારે કેટલાક શખ્સોએ મોડી રાત્રિના જ રાઉન્ડ અપ કરી જીણવટ ભરી પૂછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સગીરા ભાવનગર શહેરની એક ગર્લ્સ સ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરે છે. આ સગીરાને માર મારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સગીરાનું ચાર માસ પૂર્વે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી જ્યારે ગત રાત્રે સગીરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.