(એજન્સી) મુઝફ્ફરનગર, તા.૪
મુઝફ્ફરનગરના શેરપુર ગામમાં બુધવારે ત્રણ દિવસીય તબ્લીગ ઈજતેમાનું સમાપન થયું. ૧લી મેથી શરૂ થયેલ આ ઈજતેમામાં મુઝફ્ફરનગર, સહારનપુર, બાગપત, બિજનૌર, મેરઠ અને આસપાસના અન્ય કેટલાક જિલ્લાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા. ગુરૂવારે ત્રણ દિવસીય ઈજતેમાના સમાપન સમયે ઉલેમાઓએ મુસ્લિમોને પયગમ્બર એ-ઈસ્લામ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના જીવન પરથી બોધ લેવા અપીલ કરતાં બુરાઈઓને છોડી દેવા પર ભાર મૂકયો હતો. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝના મૌલાના ચિરાગઉદ્દીને દુઆ ગુજારી હતી અને જણાવ્યું કે આજે મુસ્લિમ સમગ્ર દુનિયામાં અપમાનિત થઈ રહ્યો છે. એનું સૌથી મોટું કારણ અલ્લાહના પયગમ્બર અને આપણા નબીએ કરીમ (સ.અ.વ.) સાહેબને ભૂલી ગયા છે, તેમણે કહ્યું કે જો અપમાનથી બચવું હોય તો નબી (સ.અ.વ.)ના હુસ્ન-એ-અખ્લાકને અપનાવી લો. પોતાની ક્ષમાયાચના કરાવી લો. ઉલેમાઓએ મુસ્લિમોને તેમના બાળકોને ઈલ્મની રોશનીથી રોશન કરવા પર ભાર મૂકતાં કહ્યું કે ઈલ્મ જ માણસ બનાવે છે. પોતાના બાળકોને દુનિયાની તાલીમ અપાવવા આપણે આગળ વધીએ છીએ તેની સામે કોઈ વિરોધ નથી પરંતુ જીવનમાં જો દીન નહીં હોય તો આખિરત બગડી જશે. ઉલેમાઓ અને લાખો લોકોએ દેશમાં શાંતિ, સલામતી અને કોમની ભલાઈ માટે દુઆ માટે હાથ ઉઠાવીને ગુરૂવારે ઈજતેમાનું સમાપન કરવામાં આવ્યું.