(એજન્સી) હરિયાણા,તા.૧૩
ગઈકાલે હરિયાણામાં બજરંગ દળના ગુંડાઓએ એક મૌલવી સાથે દુર્વ્યવહાર કરી તેમને થપ્પડ મારી તથા મુસ્લિમોને હરિયાણામાં ન રહેવાની ધમકી આપી તથા ઘરોને સળગાવવાની વાતો કરી રહ્યા હતા. બજરંગ દળના ગુંડાઓના આતંકનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બદમાશોએ મૌલવી હારૂનને ઘેરી, થપ્પડ મારી ભારત માતાની જય અને જયશ્રી રામના નારા લગાવવા જબરજસ્તી કરી રહ્યા છે. કપિત વત્સના નેતૃત્વ હેઠળ અમરનાથ યાત્રીઓ પર હુમલાના વિરોધમાં કાઢેલી એક રેલી દરમ્યાન બજરંગ દળના ગુંડાઓએ આ શરમજનક હરકત કરી હતી. હારૂને મીડિયામાં એક બયાન આપતાં કહ્યું કે એક ભારતીય સાથે આવી હરકત કરનાર તમામ આતંકીઓને સાંભળવા જોઈએ. તેઓ વારંવાર કહેતા રહ્યા કે, હું આતંકીઓની વિરૂદ્ધ છું, તેમ છતાંય કોઈએ મારી વાત સાંભળી નહીં. હું વારંવાર તેમને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે હું આતંકવાદી અને દેશદ્રોહીઓની વિરૂદ્ધ છું. પણ મારી એક પણ વાત સાંભળવા તેઓ તૈયાર ન હતા અને મસ્જિદથી બહાર કાઢી મને થપ્પડ મારી. હું શાંતિથી ચૂપચાપ ઊભો હતો કારણ કે આ મુદ્દો મારી ધાર્મિક આસ્થાનો હતો. હારૂન એક મૌલવી છે અને અહીં કેરીનું વેચાણ કરે છે, હારૂનના જણાવ્યાનુસાર ઘટના સમયે મસ્જિદમાં ચાર લોકો નમાઝ પઢી રહ્યા હતા. હુમલાખોરોએ દાઢી અને ટોપીના કારણે મારપીટ માટે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. હારૂને કહ્યું કે જો પોલીસ સમયસર ત્યાં ન પહોંચતી તો હું મારો જીવ ગુમાવી બેઠો હોત. હિસારના એસપી મનીષ ચૌધરીએ જણાવ્યું કે વીડિયોમાં દેખાતો આરોપી અનિલની ધરપકડ કરવામાં આવી છે. અનિલની સ્થાનિય ઓટો માર્કેટમાં દુકાન છે, પૂછપરછ દરમ્યાન અનિલે ગુનો કબૂલ કર્યો હતો તથા અનિલ બજરંગ દળનો કાર્યકર્તા પણ છે. તેની તપાસ ચાલી રહી છે. ૩૦ વર્ષીય મોહમ્મદ હારૂન કાસની ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના રહેવાસી છે. તેઓ પ્રથમ વાર અહીં હિસારમાં આવ્યા હતા.