નવી દિલ્હી, તા.૩૦
પાકિસ્તાન ટીમના ઓપનર અને તાજેતરમાં જ વર્લ્ડકપ ટીમના સભ્ય રહેલા ઈમામુલ હક ઉપર અનેક મહિલાઓ સાથે સંબંધ રાખવાના આરોપ લાગ્યા છે. આ આરોપોનો પાકિસ્તાની બેટ્‌સમેન ઈમામુલ હકે સ્વીકાર કર્યા છે અને આ ઓનલાઈન સ્કેન્ડલને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની માફી માંગી છે. અનેક યુવતીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ઈમામુલ હક સાથે કરેલી ચેટના સ્ક્રીન શોર્ટ શેર કર્યા હતા. ત્યારબાદ ઈમામુલ હક આરોપોમાં ઘેરાયો કે તેણે અનેક મહિલાઓને મીસલીડ કરી અને તેમની સાથે દગો કર્યો. જો કે, પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે એવું કહીને હાથ અધ્ધર કરી લીધા હતા કે આ ઈમામુલની પર્સનલ બાબત છે. સોમવારે પીસીબીના મેનેજીંગ ડાયરેકટર વસીમખાને કહ્યું કે ઈમામુલ હકે આ ઘટના માટે માફી માંગી લીધી છે. વસીમખાને કહ્યું કે ઈમામ આ વાતને લઈ અફસોસ કરી રહ્યો છે અને તેણે જે પણ કર્યું છે તેના માટે માફી માંગી છે અને પોતાની ભૂલ સ્વીકારી છે.