(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૭
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને “આતંકવાદની વિરૂદ્ધ યુદ્ધ”ને દેશની ઉપર થોપવામાં આવેલું યુદ્ધ ગણાવ્યું અને પોતાના દેશની અંદર આવું કોઈ યુદ્ધ ના લડવાનું સોમવારે વચન આપ્યો હતો. ઈમરાનનું આ નિવેદન પરોક્ષ રીતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો છે. જેમણે વારંવાર આરોપ લગાવ્યો છે કે આતંકવાદની વિરૂદ્ધ લડાઈમાં પાકિસ્તાને સરકારની મદદ કરી નથી. ઈમરાને જણાવ્યું કે, અમે પોતાની દેશની અંદર થોપવામાં આવેલું યુદ્ધ પોતાના યુદ્ધની જેમ લડ્યું અને તેની ભારે કિંમત ચૂકવવી પડી. તેનાથી અમારા સામાજિક-આર્થિક માળખાને પણ નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે, અમે એવું કોઈ યુદ્ધ પાકિસ્તાનની અંદર લડીશું નહીં. તેઓ ઉત્તરી વજરિસ્તાનમાં હાલમાં જ વિલિનીકરણ કરીને બનાવવામાં આવેલા નવા જિલ્લાની પ્રથમ યાત્રા દરમિયાન કબાયતી સરદારોને સંબોધિત કરી રહ્યા હતા. આ વિસ્તાર એક સમયે તાલીબાન આતંકવાદીઓનો ગઢ હતો. તેમની સાથે સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પણ હતા. ઈમરાને આતંકવાદીઓની વિરૂદ્ધ સફળ અભિયાન બદલ સેના, અન્ય સુરક્ષા દળો અને જાસૂસી એજન્સીઓની ઉપલબ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આતંકવાદની વિરૂદ્ધ યુદ્ધમાં પાકિસ્તાન અને તેના સશસ્ત્ર દળોએ જેટલું કર્યું છે, તેટલું કોઈ દેશ અથવા સશસ્ત્ર દળે કર્યું નથી.