(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૧૯
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારે દેશવ્યાપી સંદેશમાં કહ્યું છે કે, પુલવામાં હુમલા માટે ભારતે કોઇપણ પુરાવા આપ્યા વિના પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યો છે. ઇમરાને વધુમાં કહ્યું કે, હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના કોઇપણ પુરાવા મળશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, અમારી ધરતી પરથી કોઇપણ હિંસા ન ફેલાવે તે અમારા હિતમાં છે. હું ભારત સરકારને કહેવા માગું છું કે, પાકિસ્તાનમાંથી કોઇના પણ વિરૂદ્ધ પગલાં ભરવા લાયક માહિતી મળશે તો હું આકરા પગલાં લઇશ. તેઓ અમારા પણ દુશ્મન છે. જોકે, ઇમરાન ખાને પુલવામા હુમલા માટે જવાબદારી લેનારા અઝહર મસૂદ દ્વારા પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ચલાવાતા આતંકવાદી સંગઠન જૈશે મોહંમદનો ઉલ્લેખ કર્યો ન હતો.
ઇમરાન ખાને પોતાનું નિવેદન ભારતને સંબોેધીને શરૂ કર્યું અને કહ્યું કે, મારૂં નિવેદન ભારત સરકાર માટે છે. તમે(ભારત સરકાર) કોઇપણ પુરાવા વિના અમારા પર આરોપ મુકો છો. પાકિસ્તાનને આનાથી શું ફાયદો થશે ? જ્યારે પાકિસ્તાન સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ કામ કેમ કરે ? ઇમરાન ખાને આ સાથે જ ધમકીભર્યા સૂરમાં જણાવ્યું કે, જો ભારત હુમલો કરશે તો પાકિસ્તાન તેનો વળતો જવાબ આપશે. પરંતુ બાદમાં પોતાનો સૂર હળવો બનાવતા કહ્યું કે, આપણે બધા જ જાણીએ છીએ કે, યુદ્ધ શરૂ કરવું માનવના હાથમાં છે પણ ફક્ત અલ્લાહ જ જાણે છે કે, તે ક્યાં જઇને અટકશે. આ મુદ્દે મંત્રણા દ્વારા ઉકેલવો જોઇએ. બીજી તરફ નવી દિલ્હીએ ભારત પર હુમલાઓમાં પાકિસ્તાનના હાથના પુરાવા ઘણી વખત સોંપ્યા છે. જોકે,પાકિસ્તાને હજુ સુધી ભારતે આપેલા પુરાવા અંગે કોઇ જ કાર્યવાહી કરી નથી. ઉપરાંત ૨૬/૧૧ના હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિજ સઇદપાકિસ્તાનમાં નજર કેદ હોવા છતાં સમગ્ર દેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તેઓ ભારત વિરોધી રેલીઓને પણ સંબોધી રહ્યા છે. ઇમરાન ખાને કહ્યું કે, એ સમજાય છે કે, ભારતમાં હાલ ચૂંટણીનો સમય છે અને પાકિસ્તાન પર આરોપ મુકતા સંદેશો આપવાથી મતો માગવાનું સરળ બની જાય છે પણ મને આશા છે કે, સારી સમજ બહાર આવશે અને ભારત મંત્રણા માટે આવશે. કાશ્મીરમાં કોઇપણ સમયે કોઇપણ ઘટના બને ત્યારે ભારત સીધો પાકિસ્તાન પર આરોપ મુકે છે અને પાકિસ્તાનને વ્હીપ્પીંગ બોય બનાવે છે. કાશ્મીરનો મુદ્દો અફઘાનિસ્તાનના મુદ્દા જેવો છે જેને મંત્રણા દ્વારા ઉકેલી શકાય છે.
ઇમરાને વધુમાં જણાવ્યું કે, આતંકવાદ પર ભારત સાથે વાત કરવા પાકિસ્તાન તૈયાર છે. હું સ્પષ્ટપણે કહું છું કે, આ નયા પાકિસ્તાન છે અને અહીં નવી વિચારધારા છે. પાકિસ્તાન સાથે મંત્રણામાં ભારત આતંકવાદને ઉમેરે છે. આ પ્રાંતમાં આતંકવાદનો સામનો સૌથી મોટો મુદ્દો છે અને અમે તેને સમાપ્ત કરવા માગીએ છીએ. જો આતંકવાદી હુમલા કરવા માટે કોઇ પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરે છે તો તે અમારો પણ દુશ્મન છે. આ બાબત અમારા હિતો વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે, સઉદી પ્રિન્સ પાકિસ્તાનની મુલાકાતે હોવાથી તૈયારીઓમાં વ્યસ્તતાઓને કારણે તેઓ તાત્કાલિક ભારતના આરોપોનો જવાબ આપી શક્યા ન હતા. ભારત કોઇપણ પુરાવા વિના પાકિસ્તાન પર આરોપ લગાવે છે અને એવું પણ વિચારતો નથી કે આનાથી અમે શું ફાયદો થશે. શું અમે સઉદી ક્રાઉન પ્રિન્સની મુલાકાત સમયે આવું મુર્ખતાભર્યું પગલું ભરીશું ? અમે છેલ્લા ૧૫ વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. પાકિસ્તાનને આવી ઘટનાઓથી કેવી રીતે ફાયદો થઇ શકે ? કાશ્મીર મુદ્દે ઇમરાન ખાને કહ્યું કે, કોઇની હત્યાથી કાશ્મીરીઓ ભયભીત નથી. તેના માટે ચોક્કસ કારણો હોઇ શકે છે. આ માટે ભારતમાં ચર્ચા ના થવી જોઇએ ? જજ અને જ્યુરી બનવાનો કોઇને પણ અધિકાર આપતો દુનિયામાં કયો કાયદો છે ? જો ભારત સૈન્ય કાર્યવાહી દ્વારા આ મુદ્દો ઉકેલવા માગતું હોય તો આ ક્યારેય સફળ પગલાં નથી.
પાકિસ્તાની પીએમે કહ્યું કે ભારત જો પુલવામા આતંકી હુમલાની કોઇપણ પ્રકારની તપાસ કરવા માંગે છે તો અમે તૈયાર છીએ. જો તેમની પાસે આ હુમલામાં પાકિસ્તાનના સામેલ હોવાના કોઇ પુરાવા છે તો અમને આપે, અમે એકશન લેશું. અમારા પર કોઇપણ પ્રકારનું દબાણ નથી. જો કોઇ પાકિસ્તાની જમીન અમારી વિરૂદ્ધ ઉપયોગ કરી રહ્યું છે તો એ યોગ્ય નથી. ઇમરાને કહ્યું કે તેમનો દેશ આતંક પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમે ભારત સાથે વાતચીત કરવા માટે ઓફર કરીએ છીએ તો તેઓ કહે છે કે પહેલાં આતંકવાદને ખત્મ કરે. અમે આતંક પર વાત કરવા માટે તૈયાર છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ ક્ષેત્રમાં આતંક ખત્મ થાય. અમને સૌથી વધુ આતંકથી નુકસાન થયું છે. ૧૦૦ અબજ ડોલરથી વધુ અમને આર્થિક નુકસાન થયું છે. ૧૫ વર્ષમાં ૭૦ હજાર પાકિસ્તાની આતંકના લીધે મરી ગયા છે.