(એજન્સી) તા.૨૧
ભારતની રાષ્ટ્રીય સુરક્ષા બાબતો સાથે સંકળાયેલા બે લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સ્થાનિક રાજનીતિમાં પકડ મજબૂત કરવા માટે જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવવા અને તેનો વિશેષ દરજ્જો છીનવી લેવાના મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહ્યાં છે. તેઓ કાશ્મીરની મદદથી સ્થાનિક રાજનીતિમાં પાર્ટી અને સરકારને મજબૂત કરવા માગે છે. આ દરમિયાન જ તેમણે આર્મીના વડા જનરલ કમર જાવેદ બાજવાને વધુ ત્રણ વર્ષ માટે એક્સટેન્શન પણ આપી દીધું છે.
જોકે જનરલ બાજવાને ફરીવાર પદે પાછા લાવવાની જાહેરાતનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે ઈમરાન ખાન કહે છે કે તેઓ ક્ષેત્રીય સુરક્ષા અને સુરક્ષિત વાતાવરણ માટે આ પગલું ભરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવ્યો છે ત્યારથી પાકિસ્તાની વડાપ્રધાન ભારત સામે આકરા પ્રહારો કરી રહ્યાં છે. જોકે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સ્વીકારી ચૂક્યા છે કે પાકિસ્તાની આર્મી પાસે એવી માહિતી હતી કે તે જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટી કાર્યવાહી હાથ ધરશે. જોકે બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી ઘટનાથી પણ પાક. આર્મી વાકેફ હતી.
જોકે ફક્ત કાશ્મીરના મુદ્દાને જ ધ્યાનમાં રાખીને કમર બાજવાને રિપીટ કરવામાં આવ્યા નથી. બાજવાનો કાર્યકાળ ત્રણ મહિના પછી પૂરો થવાનો હતો. બાજવાની નિમણૂક નવાઝ શરીફની સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે બાજવાની નિમણૂક સંબંધિત આદેશ જાહેર કરાયો હતો ત્યારે પાકિસ્તાનનું ખાસ ધ્યાન કાશ્મીર પર જ હતું. એક અધિકારીએ જણાવ્યું કે ત્યારે પોતાના હિતોને સાધવા માટે કાશ્મીરને જ મુદ્દો બનાવાયો હતો. એવા અનેક ઉદાહરણો છે જે દર્શાવે છે કે બાજવાની મદદથી રાજકીય ગેઈન હાસલ કરાયો હોય. હવે બાજવા ૨૦૨૨ સુધીમાં નિવૃત થશે ત્યાં સુધી મોટાભાગના ટોચના કમાન્ડરો નિવૃત થઈ ચૂક્યા હશે.