(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૯
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને આ પહેલા કોઇએ ક્યારેય કર્યું નથી, તેની જેમ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ‘કાશમીર કેસ’ રજૂ કરવાનો સંકલ્પ કરીને જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરનો ખાસ દરજ્જો બહાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારત સાથે મંત્રણા કરવાનો કોઇ અર્થ નથી. ડોન ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદે સંગઠિત ટ્રાન્ઝીટ ટ્રેડ મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્‌ઘાટન કર્યા બાદ તેમણે આ નિવેદન કર્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાને જણાવ્યું કે નવી દિલ્હી સરકાર કાશ્મીરમાંથી કરફ્યુ ઉઠાવી ન લે અને રદ કરવામાં આવેલી કલમ ૩૭૦ બહાલ નહીં કરે ત્યાં સુધી ભારત સાથે મંત્રણા કરવાની કોઇ શક્યતા નથી. ઇમરાનખાને કાશ્મીરમાં જઇને લડવા માગતા પાકિસ્તાનીઓને ચેતવણી પણ આપી છે. તેમણે એવું પણ કહ્યું કે, જો કોઇ પણ પાકિસ્તાની કાશ્મીરમાં લડવા માગે છે કે કાશ્મીરમાં જિહાદ માટે જવા માગે છે તો આ બાબત કાશ્મીરીઓ માટે ભારે અન્યાયી હશે. આવું કૃત્ય કાશ્મીરીઓ પ્રત્યે વેર અને દુશ્મનાવટ હશે.