ન્યૂયોર્ક,તા.૨૭
આતંકવાદના મુદ્દે આખી દુનિયામાં બદનામ થયેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન હવે બે ઇસ્લામી દેશો સાથે મળીને એક ઇસ્લામી ટીવી ચેનલ શરૂ કરવાના હોવાની જાણકારી મળી હતી. ઇમરાન ખાને સોશ્યલ મિડિયા પર પોતાની આ યોજનાની જાહેરાત કરતાં એવો સંદેશો મૂક્યો હતો કે તૂર્કી અને મલેશિયાની મદદથી અમે આ ઇસ્લામી ટીવી ચેનલ શરૂ કરવાના છીએ. આ ચેનલ પર અંગ્રેજીમાં અમે ઇસ્લામના સિદ્ધાંતોનો પ્રચાર કરીશું અને ઇસ્લામના ઇતિહાસથી સમગ્ર વિશ્વને વાકેફ કરીશું.
ઇમરાન ખાને લખ્યું કે આજે મારી તૂર્કીના રાષ્ટ્રપ્રમુખ એર્ડોગન અને મલેશિયાના વડા પ્રધાન મહાતીર સાથે બેઠક થઇ હતી. મેં તેમને મારો અભિપ્રાય જણાવ્યો. એમને મારો પ્રસ્તાવ ગમ્યો હતો અને તેમણે આ ઇસ્લામી ટીવી ચેનલમાં મારી સાથે ભાગીદારી કરવાની તૈયારી દાખવી હતી.આ ચેનલ પર એવા કાર્યક્રમો રજૂ થસે જે દુનિયાને ઇસ્લામ વિશે સાચી માહિતી અને ઇસ્લામનો ઇતિહાસ જણાવશે.
આજે દુનિયાભરમાં ઇસ્લામ વિશે જાતજાતની ગેરસમજ પ્રવર્તે છે. અમે એ ગેરસમજ દૂર કરીશું અને માનવજાત માટે ઇસ્લામ કેટલો મહત્ત્વનો છે એ સમજાવશું.
અત્રે એ યાદ કરવા જેવું છે કે સોમવારે ન્યૂયોર્કમાં ઇમરાન ખાને કાઉન્સિલ ઑફ ફોરેન રિલેશનમાં એકરાર કર્યો હતો કે પાકિસ્તાની લશ્કરે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું. જો કે તેમણે એ માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું અને પાકિસ્તાનનો બચાવ કર્યો હતો.