(એજન્સી)
સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૮
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પર પ્રહાર કરતા કાશ્મીરના મુદ્દા અંગે વૈશ્વિક મુસ્લિમ સમુદાયને લાગણીસભર અને ખુલ્લી અપીલ કરવા માટે આ મંચનો ઉપયોગ કર્યો હતો અને બે પરમાણુ સંપન્ન પાડોશી દેશો વચ્ચે અંકુશ બહાર જઇ રહેલા યુદ્ધની ધમકી આપી હતી. વિશ્વની સૌથી મોટી સંસ્થાને સંબોધિત કરતા ઇમરાને કહ્યું કે, જો પરંપરાગત યુદ્ધ શરૂ થાય અને કાંઇ પણ થઇ શકે છે અને પાડોશી કરતા સાત ગણા નાના દેશે આ પસંદગીનો સામનો કરવો પડે ત્યારે આઝાદીની લડત માટે અમારે મૃત્યુ સુધી લડવું અથવા શરણાગતિ સ્વીકારી લેવી અને મારી જાતને ફક્ત એક સવાલ કરીશ જેમાં હું વિશ્વાસ રાખું છું ‘અલ્લાહ સિવાય કોઇ નથી’ અને અમે લડીશું.
તેમણે જણાવ્યું હતું કે જ્યારે બે પરમાણું સંપન્ન દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે આ બંને દેશો સિવાય આખા વિશ્વનો ભોગવવાનો વારો આવશે. આ ધમકી નથી પણ હું ચેતવણી આપું છું કે, આ મોટી ચિંતાનો વિષય છે. ઇમરાને સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો આગ્રહ કરતા કહ્યું કે આપણે ક્યાં જઇ રહ્યા છીએ. આ દરમિયાન તેમણે ભારતમાં કોંગ્રેસનો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસની અગાઉની સરકારના ગૃહમંત્રીએ આરએસએસના કેમ્પો વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, અહીં આતંકવાદીઓને તાલીમ અપાય છે અને આ આતંકવાદીઓએ ૨,૦૦૦ મુસ્લિમોની હત્યા કરી છે અને ૧,૫૦,૦૦૦ લોકોને ઘરવિહોણા બનાવ્યા છે. આરએસએસની વાત કરતા ઇમરાને કહ્યું કે, આજે મારે સમજાવવું જ પડશે કે આરએસએસ શું છે. મોદી આરએસએસના આજીવન સભ્ય છે. તેઓ મુસ્લિમોના સંપૂર્ણ સફાયામાં વિશ્વાસ રાખે છે. ખુલ્લા કટ્ટરવાદી ઇસ્લામિક નિવેદનમાં ઇમરાને કહ્યું કે, ભારતમાં રહેતા મુસ્લિમો વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવે છે જેઓ કાશ્મીરીઓને જોઇને કટ્ટરવાદ અપનાવી શકે છે. મુસ્લિમો આ જોઇને કટ્ટર બને છે ઇસ્લામને કારણે નહીં. તેમને કોઇ ન્યાય મળતો નથી તેના કારણે કટ્ટરતા તરફ વધે છે. પોતાના દેશ અને લોકોની વાતો કર્યા સિવાય ઇમરાને ફક્ત કાશ્મીર પર જ ધ્યાન દોર્યું હતું. તેમણે ચેતવણી આપી કે જ્યારે કાશ્મીરમાંથી કરફ્યૂ હટાવાશે ત્યારે રક્તપાત થશે. ત્યારે શું થશે ? દરેક ત્યારે આ જ વાત કરશે. જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને રદ કરવાના નિર્ણય પર વડાપ્રધાન મોદીને નિશાન બનાવતાં તેમણે કહ્યું કે, કટ્ટરવાદી સર્વોપરિતાનો મોહ અને અભિમાન લોકોને ભૂલ કરવા અને ક્રૂર નિર્ણયો કરવા તરફ દોરે છે. ઇમરાને એવી પણ ચેતવણી આપી હતી કે, વધુ એક વખત પુલવામા જેવી ઘટના બનશે અને ભારત ફરીવાર પાકિસ્તાન પર આરોપ મૂકશે. ભારત પાકિસ્તાનને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ બ્લેકલિસ્ટમાં મુકવાનો પ્રયાસ કરતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મુસ્લિમોના સંપૂર્ણ સફાયામાં માનનારા આરએસએસના નેતા પીએમ મોદી છે. ઇસ્લામોફોબિયા પર તેમણે કહ્યું કે, ૯/૧૧ પહેલાં મોટાભાગના આત્મઘાતી હુમલાઓ તમિલ ટાઇગર્સ દ્વારા કરાતા હતા જે બધા હિંદુ હતા પણ કોઇ હિંદુવાદ પર આરોપ મૂકતા નથી. તેમણે કહ્યું કે, પયગમ્બર(સ.અ.વ) સાહેબ અમારા દિલમાં વસે છે. તેથી તેમને કટ્ટર કહેવાથી શારીરિક કરતાં પણ વધુ દુઃખ થશે. તેથી હું બધાને વિનંતી કરૂં છું કે, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) સાહેબનું અપમાન કરીને અભિવ્યક્તિની આઝાદીની વાત ના કરે. ઇમરાનના ભાષણ બાદ પાકિસ્તાનના વિદેશ વિભાગે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, તેમના ભાષણને આવનારા વર્ષો સુધી યાદ રખાશે.

ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રના મંચનો દુરૂપયોગ કર્યો : ભારત

(એજન્સી)
સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૮
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનેના આરોપોનો આકરો જવાબ આપતા તેમને અરીસો દેખાડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે, ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રના મંચનો ખોટો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, ઇમરાનનું ભાષણ નફરતભર્યું હતું. વિદિશા મૈત્રાએ પાકિસ્તાનને ઘેરતા કહ્યું કે, શું પાકિસ્તાન એ વાતને સ્વીકાર કરશે કે, તે દુનિયાનો એકમાત્ર દેશ છે એવા શખ્સને પેન્શન આપે છે જેને સંયુક્ત રાષ્ટ્રએ અલ કાયદા અને આઇએસઆઇએસ જેવા આતંકવાદી સંગઠનોની યાદીમાં રાખ્યો છે. શું પાકિસ્તાન એ સમજી શકે છે કે, શા માટે ન્યૂયોર્કમાં તેની હબીબ બેંક પર આતંકવાદ પર ફાઇનાન્સિંગ માટે દંડ લગાવ્યો અને પછી કેમ બેંક બંધ કરવી પડી. વિદિશાએ એમ પણ કહ્યું કે, શું પાકિસ્તાન એ વાતને નકારી શકે છે કે, તે ઓસામા બિન લાદેનનો ખુલ્લો સમર્થક છે. વિદિશા મૈત્રાએ પાકિસ્તાન પર પ્રહાર કરતા જણાવ્યું કે, માનવ અધિકારની વાત કરનારા પાકિસ્તાને સૌથી પહેલા પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત પર ધ્યાન આપવું જોઇએ જેની સંખ્યા ૨૩ ટકામાંથી માત્ર ત્રણ ટકા રહી ગઇ છે. પાકિસ્તાને એ યાદ રાખવું જોઇએ કે, ૧૯૭૧માં તેણે પોતાના લોકો સાથે શું કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સૌથી નવા સભ્ય વિદિશાએ કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન જે રીતે પરમાણું હથિયારોનો ઉપયોગની ધમકી આપી રહ્યા છે તે એક મોટા રાજનેતાનો વ્યવહાર નથી પણ એક નાના નેતા જેવો વ્યવહાર છે. તેમણે આ રીતે વૈશ્વિક નેતાની જેમ મુત્સદ્દીગીરી અપનાવી નથી.

ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં ૭૦
વખત ઇસ્લામ શબ્દનો ઉપયોગ કર્યો

(એજન્સી) સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૮
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, દુનિયાએ આવા સમયે પાકિસ્તાન અને ભારત વચ્ચે હસ્તક્ષેપ ના કર્યો તો બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશો વચ્ચે યુદ્ધ થઇ શકે છે અને પરમાણુ હુમલાની સ્થિતિ આવી શકે છે. આના દુષ્પરિણામ સમગ્ર વિશ્વને ભોગવવા પડશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને જવાબ આપતા ટિ્‌વટ કર્યું કે, ‘‘પણ કોઇને એવું લાગતું નથી કે, જીવન પરમાણુ યુદ્ધ, જેહાદ, આતંકવાદને પ્રોત્સાહન આપવા, યુદ્ધ ઉન્માદ ફેલાવવા, જુઠ, છળ અને વૈશ્વિક મંચનો દુરૂપયોગ કરવા માટે છે.’’ ઇમરાન ખાને પોતાના સંબોધનમાં ઇસ્લામ શબ્દનો ૭૦ વખત, આતંકવાદ શબ્દનો ૨૩ વખત અને કાશ્મીર શબ્દનો ૨૧ વખત ઉલ્લેખ કર્યો હતો. ઇમરાન પહેલા જ પીએમ મોદીએ અધિવેશનને સંબોધિત કર્યું હતું પણ પાકિસ્તાનનું નામ એકપણ વખત લીધું ન હતું જ્યારે ઇમરાન ખાને અનેક વખત ભારતનું નામ લઇને ખોટા આરોપ લગાવ્યા હતા.