(એજન્સી) લાહોર, તા.૧૬
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને કહ્યું છે કે, નવાઝ શરીફ સામે તેમને કોઈ પૂર્વગ્રહ નથી. પૂર્વ વડાપ્રધાનનું સ્વાસ્થ્ય રાજકારણ કરતા વધુ મહત્ત્વનું છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ શરીફ)ના પક્ષના વડા અને તેમના ભાઈ શહેબાઝ શરીફે કહ્યું કે, ઈમરાનખાનનું તંત્ર વિદેશ સારવાર માટે નવાઝ શરીફને મોકલવા માટે મંજૂરી અંગે વિલંબ કરી રહ્યું છે, જેથી કંઈ પણ બનશે તો વડાપ્રધાન ઈમરાનખાન જવાબદાર હશે. પાકિસ્તાન તહેરિકે ઈન્સાફ પાર્ટીની કોર બેઠકને સંબોધતા ઈમરાનખાને કહ્યું કે, માનવિય ધોરણે નવાઝ શરીફને સારવાર માટે વિદેશ જવા ટૂંકમાં જ તેમને મંજૂરી અપાશે. તેમણે કહ્યું કે, નવાઝનું પરિવાર રાજકારણ રમી રહ્યું છે, જે ખેદજનક છે. ૭ બિલિયન પાકિસ્તાની રૂપિયા બોન્ડ જમા કરાવી નવાઝ શરીફને વિદેશ સારવાર માટે જવા મંજૂરી અપાશે, તેમ પાકિસ્તાનના આંતરિક વિભાગના મંત્રીએ જણાવ્યું હતું.